બિપરજોયે કચ્છના ખેડૂતોની કમર ભાંગીઃ કેરી-દાડમ-ખારેકના પાકને નુકસાન

Wednesday 21st June 2023 06:34 EDT
 
 

ભુજઃ અરબી સમુદ્ર પરથી ગુજરાતમાં ત્રાટકેલા ચક્રવાત બિપોરજોયે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. તેમાં પણ ગુજરાતની સૌથી પ્રખ્યાત કચ્છની કેસર કરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અંજારમાં બાગાયતી કેરી, દાડમ, ખારેકના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વાવાઝોડાથી ભુજ, અંજાર, મુંદ્રા, માંડવી, અબડાસામાં કેરી, ખારેક અને દાડમના ખેડૂતોને મોટા પ્રમાણ નુકસાન થયું છે.
બે વર્ષ પહેલાં આવેલા વિનાશક તાઉતે વાવાઝોડાને કારણે કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે હવે વધુ એકવાર બિપોરજોય નામના વાવાઝોડાએ કેરીના વૃક્ષોને બરબાદ કરી દીધાં હતાં, જેને પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, તેમાં પણ કચ્છ વિસ્તારના ખેડૂતોમાં વધારે નુકસાન થયું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે કેરીના પાકને થયેલા નુકસાનથી ખેડૂતોને પોતાની આજીવિકાની ચિંતા વધી ગઈ છે. વિનાશક બિપરજોય વાવાઝોડાએ કેરીના 90 ટકાથી વધુ પાકનો નાશ કર્યો છે.
બિપોરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ ખેતરમાં જઈને જોતાં દાડમનાં ઝાડ મૂળિયાં સાથે નમી જવા પામ્યાં હતાં, તેમજ દાડમ પણ ઝાડ પરથી ખરી પડ્યા હતા, જેના કારણે પાકમાં મોટું નુકશાન થવા પામ્યું છે. તો ખારેક પણ મોટાપાયે ખરી જતાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


comments powered by Disqus