ડીસાઃ ડીસા પંથકમાં બિપોરજોયની અસરરૂપે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ડીસાના વરનોડા, લક્ષ્મીપુરા, શેરપુરા, કંસારી સહિતનાં અનેક ગામડાં સંપર્કવિહોણાં બન્યાં હતાં, જ્યારે લોકોના જાનમાલને પણ ઘણું નુકસાન થયું છે.
બિપોરજોય વાવાઝોડાને પગલે થયેલા ભારે વરસાદે ડીસા પંથકને ધમરોળી નાખ્યું છે. સતત વરસાદને કારણે સાર્વત્રિક પાણી જ પાણી દેખાતું હતું. ડીસાના વરનોડા, લક્ષ્મીપુરા, દામા, યાવરપુરા, શેરપુરા, કંસારી સહિતનાં નીચાણવાળાં 15થી વધુ ગામની 500 હેક્ટરથી પણ વધુ જમીનમાં પાણી ભરાઈ ગયું હતું. ખેતરોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતાં મોટાભાગનાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયાં છે, જ્યારે અનેક ગામડાં સંપર્કવિહોણા બન્યાં હતાં.
ડીસાના વરનોડા ગામથી નાણી જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે. આ માર્ગ પર ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતાં 15થી 20 ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો હતો.

