આણંદઃ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક 69 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાને ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં તમારી સંડોવણી હોવાનું કહી 80 હજાર ડોલર પચાવી પાડવાના પ્રયાસમાં બે ભારતીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 33 વર્ષીય પાર્થ પટેલ અને 25 વર્ષીય જય રામીની ફ્લોરિડા કુરુગુંટલાની કાલા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. બીજી તરફ આરોપી પાર્થ પટેલ આણંદના એક પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
એક વૃદ્ધ અમેરિકન મહિલાને ગત 23 મેએ મેસેજ કરી દાવો કરાયો હતો કે, તેની બેન્ક સાથે ચેડાં કરાયાં છે અને એક નંબર પર કોલ કરવા કહ્યું હતું. મહિલાએ આ નંબર પર કોલ કરતાં ભેજાબાજે કહ્યું કે, તે ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં શંકાસ્પદ છે. આ ગઠિયાએ પીડિતાને જણાવ્યું હતું કે, ચીનમાં 25 ચાઇલ્ડ પોર્નોગ્રાફીની 30 હજાર ડોલરની ખરીદી કરાઈ હતી તેમાં તમારી સંડોવણી છે. આ આખા મામલાને થાળે પાડવા માટે તેણે 72 કલાકની અંદર 30 હજાર ડોલર ચૂકવવાનું જણાવ્યું હતું. વૃદ્ધ અમેરિકન મહિલાને બિટકોઇન મારફ્તે પૈસા ટ્રાન્સફર કરવા માટે ગેસ સ્ટેશન જવાની સૂચના આપી હતી. બીજા દિવસે ભેજાબાજોએ મહિલાને ફરીથી ફોન કર્યો અને કાગળની કોથળીમાં બીજા 50 હજાર ડોલરની રોકડ ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જો કે આ વખતે છેતરપિંડીના આરોપસર પોલીસે જય રામી અને પાર્થ પટેલને ઝડપી લીધા હતા.

