રૂ. 2 કરોડનો પુલ લોકાર્પણ પહેલાં જ તૂટ્યો

Wednesday 21st June 2023 05:59 EDT
 
 

વાલોડઃ પુલવાળા ધારાસભ્ય તરીકે ઓળખાતા મોહન ઢોડિયાના વિસ્તાર વાલોડમાં જ રૂ. 2 કરોડના ખર્ચે નવનિર્મિત લો લેવલ પુલ લોકાર્પણ પહેલાં બુધવારે તૂટી પડ્યો. વાલોડના દેગામાથી ટીચકપુરને જોડતો પુલ પોતાના જ ભારથી વચ્ચેથી ધ્વસ્ત થઈ ગયો. આ પુલના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાની સાથે કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ છતી થઈ હતી. 11 મહિનામાં કામ પૂરું કરવાનું હતું, જે 40 મહિને પણ પૂરું ના થયું. હવે ફરીથી દેગામા, અંબાચ, વેડછી, બુટવાડા, વાલોડ ગામોના લોકોને 15 કિ.મી. ફરીને અવરજવર કરવી પડશે.
આ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસ સોંપી હતી. પ્રાથમિક અહેવાલમાં હાઇ લેવલ બ્રિજના મટિરિયલની ગુણવત્તામાં ગંભીર ક્ષતિ હોવાનું જણાતાં મુખ્યમંત્રીએ કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરવા આદેશ કર્યા છે. સાથે જ સુરતની કંપનીને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.


comments powered by Disqus