અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાએ કચ્છ સહિતના વિસ્તારોમાં તબાહી મચાવી છે. આ વિનાશથી મીઠા ઉદ્યોગને પણ મોટું આર્થિક નુકશાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાને કારણે પાંચ લાખ ટન મીઠું વરસાદમાં વહ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે, જેથી મીઠાના ઉત્પાદન પર અસર થવાની સંભાવના છે.
વાવાઝોડાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઉદ્યોગો ઠપ પડ્યા છે. જીઆઇડીસીથી માંડીને બંદરો સૂમસાન બન્યાં છે. કચ્છ- સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આ તરફ મીઠાના ઉત્પાદનમાં કચ્છ મોખરે છે. રોજ લાખો ટન મીઠાનું ઉત્પાદન થાય છે. કચ્છના કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણીમાં મીઠું ધોવાયું છે. અંદાજે પાંચ લાખ ટન મીઠું વરસાદી પાણીમાં ધોવાયું છે, જેથી મીઠા ઉત્પાદકોને આર્થિક ફટકો પડ્યો છે.

