111 ફૂટ ઊંચી સુવર્ણજડિત ‘સર્વેશ્વર મહાદેવ’ની પ્રતિમાનું લોકાર્પણ

Wednesday 22nd February 2023 05:28 EST
 
 

વડોદરા: વડોદરામાં સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની સુવર્ણમયી પ્રતિમાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો, ભાજપના નેતાઓ, સત્યમ્ શિવમ સુંદરમ્ સમિતિના સભ્યો અને હજારો ભક્તોએ હાજરી આપી હતી.
શિવજી કી સવારી આઈ... શિવજી કી સવારી આયી...ની ધૂન સાથે શિવરાત્રીના દિવસે બપોરે 3.45 વાગ્યે પ્રતાપનગર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવજી કી સવારીનો પ્રારંભ થયો હતો. પંચધાતુમાંથી નિર્મિત મહાકાય નંદી પર સવાર મા પાર્વતીજી અને ગણેશજી સાથે ભોલેનાથ અને નંદીની આજુબાજુમાં કાર્તિકસ્વામી તથા દેવર્ષિ નારદની પ્રતિમા સાથે નીકળેલી શિવજી કી સવારીનાં દર્શન માટે લાખો ભક્તો ઊમટી પડયા હતા.
બમ બમ ભોલે... હર હર મહાદેવ...ના નારા સાથે સવારી જેમજેમ આગળ વધતી હતી તેમ તેમ તેમાં જોડાતા ભક્તોની સંખ્યા વધી રહી હતી. સવારી વાડી થઈને ચોખંડી પહોંચી ત્યાં સુધીમાં તો હજારો ભક્તો તેમાં જોડાયા હતા. ડી.જે. પર વાગતી દેવાધિદેવ મહાદેવની આરતી-ધૂનની સાથે લાઇટિંગના કારણે સવારીએ અનોખો માહોલ સર્જ્યો હતો. સવારી ચોખંડીથી માંડવી ત્યાંથી ન્યાય મંદિર થઈને રાવપુરા અને દાંડિયા બજાર તરફ આગળ વધી હતી. સવારીનું ઠેરઠેર પુષ્પોથી અને અબિલ - ગુલાલથી સ્વાગત થયું હતું. દાંડિયા બજાર થઈને સવારી સૂરસાગર તળાવ પહોંચી હતી. અહીં ઉપસ્થિત હજારો શિવભક્તોની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ મહાઆરતી યોજાઈ હતી.
લોકાર્પણ વખતે સૂરસાગનું આકાશ આતશબાજીથી ઝળહળી ઊઠ્યું હતું. હરહર મહાદેવના નારા, શિવપ્રતિમા ફરતે પ્રગટાવેલી મશાલો અને લાઇટિંગ શોના કારણે વાતાવરણ શિવમય બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે આરસીસી અને કોપરથી નિર્મિત 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનેથી મઢવાના કાર્યનો ત્રણ વર્ષ પહેલાં પ્રારંભ કરાયો હતો. સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિના સ્થાપક અને ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે, 17.5 કિલો સુવર્ણના ઉપયોગથી પ્રતિમાને મઢવામાં આવી છે. આ માટે રૂ. 12 કરોડનો ખર્ચ થયો છે. આ ફંડ સત્યમ્ શિવમ્ સુંદરમ્ સમિતિ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એકઠું કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus