અંબાજીઃ શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાયો, જેમાં અંદાજિત અઢીલાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી. સતત શ્રદ્ધાળુઓનો અનેરો ઉત્સાહ જોતાં રાજ્ય સરકાર દ્વારા આ મહોત્સવમાં એક દિવસ વધારવામાં આવ્યો હતો.
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા વન વિભાગ દ્વારા તુલસી યાત્રા કાઢવામાં આવી હતી. જેમના દ્વારા ગબ્બર તળેટી ખાતે આવેલા 51 શક્તિપીઠ પૈકી દરેક શક્તિપીઠ પર તુલસીનું વાવેતર કરી પરિક્રમા પરિપૂર્ણ કરાઈ હતી. આ સાથે વન વિભાગે લોકોમાં પર્યાવરણ પ્રતિ જાગરૂકતા ફેલાવી હતી.
આ પાંચ દિવસીય મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાસ-ગરબા, પ્રાર્થના, સંતવાણી, ભરતનાટ્યમ્ અને દુર્ગાસ્તુતિ સહિતના ધાર્મિક મનોરંજક કાર્યક્રમોએ માઈભક્તોનું મન મોહી લીધું હતું.
આ સિવાય 51 શક્તિપીઠ મહોત્સવ દરમિયાન રોજ ખ્યાતનામ કલાકારોએ લોકોમાં રંગત જમાવી હતી. મહોત્સવના ચોથા દિવસે સાંઈરામ દવે અંબાજી પહોંચ્યા હતા, અને ગબ્બરની તળેટીમાં યોજાઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની અનોખી અદાથી લોકસાહિત્યને લોકો સમક્ષ રજૂ કર્યું હતું.

