વડોદરાઃ ઇજિપ્તની આઇસીસીઆર વિદ્યાર્થિની રેવા અબ્દેલનાસરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ ફેકલ્ટીમાંથી કથક નૃત્યમાં ડિગ્રી મેળવેલી છે. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે કારેલીબાગ અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગીતાબહેન રબારીની ભજનસંધ્યા પૂર્વે રેવા દ્વારા શિવતાંડવ પર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
રેવાનાં અનેક પર્ફોર્મન્સ
ઇજિપ્તની મુસ્લિમ યુવતી રેવા અબ્દેલનાસરે આ પહેલાં પણ અનેક પર્ફોર્મન્સ આપ્યાં છે. જેમાં વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ-2022, આઇડીએફ વર્લ્ડ ડેરી સમિટ-2022, દિલ્હીમાં ત્રિવેણી કલાકેન્દ્રની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા, જગન્નાથ પુરી મહોત્સવ-ઓરિસ્સા, પુણેની સાંસ્કૃતિક સંઘ 18મી સાંસ્કૃતિક મંચ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં, મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો છે. આ ઉપરાંત ગુજરાત સંગીત નાટક અકાદમી, આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ - 2023માં અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તહેવારો અને સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.
મને શિવ ખૂબ જ પ્રિય છે: રેવા
રેવાએ વધુ જણાવ્યું હતું કે, હું શિવતાંડવ નૃત્ય કરું છું, એ મારા પિતાને પસંદ નથી. મારા પિતા મારી વિરુદ્ધમાં હતા, પરંતુ માતાના સહકારથી હું આજે શિવભક્તિ કરી રહી છું. મને શિવ ખૂબ જ પ્રિય છે, તેથી હું ખુશ થઈને શિવ તાંડવ કરું છું. જેનાથી મારા આત્માને ખૂબ જ શાંતિ મળે છે.

