ભુજઃ સરસ્વતી-સિંધુ ઘાટીની સભ્યતાનું નગર ધોળાવીરા વિશ્વધરોહર સ્થળ બની જતાં કચ્છમાં હવે અન્ય હડપ્પન નગરોના ઉત્ખનનનો માર્ગ મોકળો બન્યો છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે મંગળવારે વર્ષ 2022-23માં દેશભરમાં થનારા ઉત્ખનન અંગેની યાદી જાહેર કરી હતી. તેમાં કચ્છના અખાતની સાથે કચ્છ યુનિવર્સિટી હેઠળ આવતાં સ્થળોને ઉત્ખનન માટે મંજૂરી આપી દેવાઈ છે.
આ મંજૂરીના પગલે હવે કચ્છના લખપત તાલુકામાં આવેલા અન્ય એક મહત્ત્વપૂર્ણ હડપ્પન નગર ખટિયા તથા ભુજ તાલુકાના મેઘપર સાઇટ પર ઉત્ખનન શરૂ કરી શકાશે. જો કે કચ્છના અખાતમાં અપાયેલી મંજૂરી અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. એએસઆઇ પોતાના હસ્તકના કુલ 31 સ્થળોએ ખોદકામ કરશે. કચ્છના અખાતની સાથે દિલ્હીમાં જૂના કિલ્લા સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 14 ફેબ્રુઆરીએ એક ટ્વિટમાં સાઇટ્સની સૂચિ જાહેર કરી હતી, જેમાં એએસઆઇની 31 સાઇટ્સ, વિવિધ રાજ્ય સરકારોની 16 સાઇટ્સ અને 4 યુનિવર્સિટીઓની સાઇટ્સ જાહેર કરવામાં આવી હતી, જેમાં કચ્છ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, કચ્છ યુનિવર્સિટી દ્વારા હાલ લખપતના ખટિયા પાસે ઉત્ખનન કરાઈ રહ્યું છે. જ્યાંથી એક વિશાળ હડપ્પન નગરના અવશેષ મળ્યા છે. તો ભુજના મેઘપરમાં પણ એક પ્રાચીન નગરના અવશેષ મળ્યા છે, જ્યાં ખોદકામ કરવાનું બાકી છે. આ બે સ્થળો પર વધારે ઉત્ખનન કરવા યુનિવર્સિટીએ મંજૂરી માગી હતી.
ખટિયામાં સેંકડો માનવ અવશેષ મળ્યાં
કચ્છ અને કેરેલા યુનિવર્સિટી દ્વારા સાથે મળીને ખટિયા સાઇટ પર કામ ચાલી રહ્યું છે. અહીં 250 વધુ માનવ અવશેષ મળ્યાં છે. જે સંખ્યાની દૃષ્ટિએ અન્ય હડપ્પન સાઇટથી વધુ છે. આ નગર 4800 વર્ષ જૂનું છે અને પ્રારંભિક હડપ્પનકાળનું છે.

