ભુજઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઇએએ ગેંગસ્ટર સિન્ડિકેટ અંગે મોટી કાર્યવાહી કરી છે. એનઆઇએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ટેરર ફંડિંગને લઈને 72 જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી જાણકારી પ્રમાણે એનઆઇએના આ દરોડા ગેંગસ્ટર અને ક્રાઇમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે.
કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની તપાસ
ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સાથી છે. તેની સામે બિશ્નોઈ ગેંગના સાથીઓને આશ્રય આપવાનો કેસ છે. આ ઉપરાંત કુલવિંદર ડ્રગ્સ સિન્ડિકેટ સાથે પણ સંકળાયેલો હોવાનું એનઆઇએનાં સૂત્રોનું કહેવું છે.
એનઆઇએની રડાર પર ઘણા પ્રખ્યાત ગેંગસ્ટર
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ એનઆઇએની રડાર પર છે, જે પૈકી ઘણા ગેંગસ્ટરની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સીએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50થી વધુ સ્થળ પર દરોડા પાડ્યા હતા.
ગેંગસ્ટર્સની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા હતા
એનઆઇએના આ દરોડા તમામ જગ્યાઓ પર એકસાથે પાડવામાં આવ્યા છે. એનઆઇએનાં સૂત્રોના જણાવ્યા અનુસાર છ ગેંગસ્ટરની પૂછપરછ દરમિયાન ઘણા વધુ ગેંગસ્ટરનાં નામ સામે આવ્યાં હતાં. એનઆઇએ પૂછપરછ કરાયેલા ગેંગસ્ટરનાં ઘર અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલાં અન્ય સ્થળે દરોડા પાડ્યા છે.

