નવી દિલ્હીઃ ગોધરાકાંડમાં ટ્રેનના ડબા સળગાવનારા પર રાજ્ય સરકાર દ્વારા કડક વલણ અપનાવાશે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાત સરકારે સોમવારે જણાવ્યું હતું કે, ગોધરાકાંડના 11 આરોપીને મૃત્યુદંડની સજા કરવા કોર્ટ સમક્ષ માગણી કરાશે. 2002માં ગોધરા કાંડ વખતે ટ્રેન સળગાવનારા અને 59 પ્રવાસીની હત્યા કરનારા 11 આરોપીની સજાને ગુજરાત હાઇકોર્ટે આજીવન કારાવાસમાં બદલી હતી. સુપ્રીમના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ. નરસિંહા તેમજ જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે કેટલાક આરોપીની જામીન અરજીની સુનાવણી માટે ત્રણ અઠવાડિયા પછીની તારીખ નક્કી કરી છે. બેન્ચે બંને પક્ષના વકીલોને આ માટે એક સંયુક્ત ચાર્ટ રજૂ કરવા કહ્યું છે, જેમાં વાસ્તવિક સજા તેમજ આરોપીએ જેલમાં ગાળેલા સમયગાળાની વિગતો દર્શાવવા તાકીદ કરાઈ છે.
રેરેસ્ટ ઓફ રેર કક્ષાનો ગુનો છે
સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, મહિલાઓ તેમજ બાળકો સહિત 59 લોકોને ટ્રેનની બોગીમાં જીવતા સળગાવનાર 11 આરોપીઓની મોતની સજાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં બદલવામાં આવી હતી પણ અમે તેમને મૃત્યુદંડની સજા થાય તે માટે ગંભીર છીએ. આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે.

