જો બાળકોને માતૃભાષા નહીં શિખવાડીએ તો કઇ રીતે ગુજરાતી સંરક્ષિત થશેઃ હાઈકોર્ટ

Wednesday 22nd February 2023 05:27 EST
 
 

અમદાવાદઃ રાજ્યની તમામ શાળામાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાની દાદ માગતી રિટ પિટિશનમાં હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે ‘અમારી ચિંતા છે કે ફરજિયાત ગુજરાતી ભાષા દરેક શાળામાં ભણાવવા માટેની રાજ્ય સરકારની નીતિ છે. પરંતુ તેમ છતાંય તેનો અમલ થતો નથી. અમે ઇચ્છીએ છીએ કે માતૃભાષા દરેકને આવડવી જોઇએ. ગુજરાતી બંધારણીય ભાષા છે, અને જો બાળકોને ગુજરાતી નહીં ભણાવીએ તો તેને
કઇ રીતે સંરક્ષિત કરી શકાશે.’ હાઇકોર્ટે વધુ સુનાવણી
21મી ફેબ્રુઆરીના રોજ મુકરર કરી છે.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે,‘નીતિનિયમ નખ વિનાના પંજા જેવા ન હોવા જોઇએ. આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાતી ભાષા મુદ્દે કડક કાર્યવાહી કરો. જો કોઇ જિલ્લામાં એનો અમલ ન થાય તો ડિસ્ટ્રિકટ એજ્યુકેશન ઓફિસર કાર્યવાહી કરે. સરકાર કંઇ કરતી નથી એવું નથી પરંતુ કંઇક એવી કાર્યવાહી કે પેનલ્ટી કે દંડ હોવો જોઇએ જેથી સ્કૂલો નીતિ નિયમનો અમલ કરે. જો રસ્તા પર સિગ્નલ ન હોય તો શું કોઇ રોકાય. બાળકને પ્રારંભિક તબક્કે જ ગુજરાતી નહીં ભણાવો તો માતૃભાષાનું ગૌરવ કઇ રીતે જળવાશે. અન્ય રાજ્યમાં જ્યાં આ મુદ્દે કાયદો બનાવાયો છે એ મુદ્દે પણ સરકારે ધ્યાન આપવું જોઈએ. એક વાર કાયદો બની જાય તો વારંવાર ઇશ્યૂ ઊભા જ ન થાય.’
હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ‘47 પૈકી 13 શાળામાં ફરજિયાત ગુજરાતી રાજ્ય સરકારની નીતિ મુજબ ભણાવવામાં આવતી નથી. આગામી શૈક્ષણિક સત્રથી કોઇ પણ ફરિયાદ આવવી જોઇએ નહીં.


comments powered by Disqus