વેરાવળઃ વેરાવળમાં ડો.અતુલ ચગ આત્મહત્યા કેસ અંગે મૃતકના પુત્ર હિતાર્થ દ્વારા મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે. હિતાર્થે તેના પિતાની આત્મહત્યા માટે સાંસદ રાજેશ ચૂડાસમા અને તેના પિતા નારણભાઈ જવાબદાર હોવાની પોલીસને અરજી કરી છે. આ બંનેએ તેના પિતાને આપેલી ધમકી અને ઘટનાક્રમનો ઉલ્લેખ કરી ગુનો દાખલ કરવા માગ કરી છે. જો કે આ અરજીના 24 કલાક પછી પણ પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી.
ડો.અતુલ ચગના પુત્ર હિતાર્થે કરેલી અરજીમાં જણાવાયું છે કે, મારા પિતા અતુલભાઈ વ્રજલાલ ચગ 30થી વધુ વર્ષથી વેરાવળમાં ફિઝિશિયન તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. હું તેમનું એકમાત્ર સંતાન છું. જૂનાગઢ - ગીરસોમનાથ વિસ્તારના સંસદસભ્ય રાજેશભાઈ ચૂડાસમા, તેમના પિતા નારણભાઈ અને તેમના ભાઈ હીરાભાઈ અને પરિવાર સાથે છેલ્લાં 20 વર્ષથી ગાઢ સંબંધ હતા અને પૈસાની લેતીદેતી પણ થતી. દરમિયાન નારણભાઈ અને હીરાભાઈ ખાણ-ખેતી અને જિંગાનો વ્યવસાય કરતા હતા, જેથી તેઓએ વર્ષ 2008થી મારા પિતા પાસે ઉછીના નાણાં લેવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં એકાદ-બે વખત નાણાં પરત આપી આ લોકોએ મારા પિતાનો વિશ્વાસ સંપાદિત કરી લીધો હતો.
પહેલા નારણભાઈ અને સાંસદ રાજેશભાઈ ચૂડાસમા નાણાં લઈ જતા, જે બાદ તેમની ઓફિસમાં કામ કરતા મૂકેશ પાઠક, રાજુ વંશ, ભાવેશભાઈ મારફ્તે નાણાં મગાવતા. અત્યાર સુધીમાં તેઓએ મારા પિતા પાસેથી દોઢથી પોણા બે કરોડ રૂપિયા ઉછીના લીધા છે. નારણભાઈએ ધી વેરાવળ પીપલ્સ કો.ઓ. બેન્કના ત્રણથી ચાર કોરા ચેક પણ આપ્યા હતા. છેલ્લા તા.29/11/2021ના રોજ રૂ. 3.90 લાખનો ચેક નાખ્યો હતો. જો કે તે રિટર્ન થતાં મારા પિતાએ તેમને કેસ કરવાનું કહેતાં સાંસદ અને તેમના પિતાએ ધમકી આપી હતી. તેમણે કહેલું કે, અમે રાજકીય વગવાળા છીએ અને અમારી સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ કે અન્ય કોઈ કાયદા હેઠળ કેસ કરશો તો તમને અને તમારા પુત્રને ઉઠાવી ગુમ કરી જાનથી મરાવી નાખશું. તેમના દ્વારા મળેલી ધમકીથી મારા પિતા ડરી ગયા હતા અને ખૂબ ટેન્શનમાં હતા, જેથી ગત તા.12 ફેબ્રુઆરીએ મારા પિતાએ આત્મહત્યા કરી લીધી અને તેમણે લખેલી સ્યૂસાઇડ નોટ મળી આવી. જેમાં હું નારણભાઈ અને રાજેશભાઈ ચૂડાસમાના કારણે આત્મહત્યા કરું છું તેવું સ્પષ્ટ લખ્યું હતું.
BJPનો સંસદસભ્ય છું, અમારો વાળ પણ વાંકો નહીં થાય
છેલ્લે 12 ફેબ્રુઆરી 2023ના દિવસે પિતાએ સાંસદ રાજેશ ચૂડાસમા પાસે નાણાંની ઉઘરાણી કરતાં જવાબ મળ્યો હતો કે, એક પણ પૈસો આપવો નથી. હું ભાજપનો સંસદ સભ્ય છું અને ગુજરાત અને દેશમાં અમારી સરકાર છે. અમારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. બાપ-દીકરો બંને જીવતા નહીં બચો.

