ભુજઃ કચ્છની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમનાં પત્ની સુદેશ ધનખડે કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ વોચ ટાવર પરથી સનસેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી.
કચ્છના સફેદ રણમાં અસ્ત થતા સૂર્યની સુવર્ણ આભામાં ઉપરાષ્ટ્રપતિએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ અને ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા હતા. તેમણે કચ્છના રણમાં નિહાળેલા આ સૂર્યાસ્તને જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી ક્ષણ ગણાવી હતી. આ ઉપરાંત તેમણે રણોત્સવ સંસ્કૃતિ સાથે જોડતો હોવાનું જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ ધોરડો ગામના સરપંચ પાસેથી કચ્છના રણની કેવી રીતે કાયાપલટ થઈ, રણપ્રદેશ કઈ રીતે વિશ્વફલક પર મહત્ત્વના સ્થળ તરીકે પ્રસ્થાપિત થયો અને ઉત્તરોતર થયેલા વિકાસની માહિતી મેળવી હતી.

