પેપર લીક કરનારને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષની જેલ થશે

Wednesday 22nd February 2023 04:33 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓના પેપ૨ ફૂટવાના બનાવ અટકાવવા સરકાર કડક સજાની જોગવાઇ સાથે નવો કાયદો લાવવા જઈ રહી છે. આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરીને વિધાનસભાને મોકલી આપવામાં આવ્યો છે. આગામી બજેટ સત્રમાં આ બિલ ગૃહમાં રજૂ કરાશે. બિલમાં ક૨વામાં આવેલી જોગવાઇ મુજબ પેપરલીક સહિતની ગેરરીતિઓ બદલ આરોપીને ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા ઉપરાંત 1 કરોડ રૂપિયાનો દંડ થશે.
ઉમેદવારો ગેરરીતિ આચરે તો ત્રણ વર્ષની કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા થશે અને પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રખાશે. પરીક્ષા દરમિયાન અધિકૃત વ્યક્તિને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ કરતાં કિસ્સામાં ત્રણ વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ થશે.
અધિકારીઓ માટે છટકબારી પણ રખાઈ
આ કાયદામાં ભરતી એજન્સી કે સરકારી સંસ્થાના પદાધિકારી કે ઉચ્ચ અધિકારીઓ માટે છટક્બારી પણ રાખવામાં આવી હોવાનો મત જાણકારોએ વ્યક્ત કર્યો છે. ડ્રાફ્ટ બિલની કલમ 10ની પેટા કલમ 1 મુજબ વ્યવસ્થાપક મંડળ અથવા જવાબદારી અથવા ભાગીદારી અથવા અન્યને જવાબદાર હોય તે દરેક વ્યક્તિ ગુનાની દોષિત ગણાશે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે પરંતુ આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર કોઇ વ્યક્તિ એમ પુરવાર કરે કે ગુનો તેની જાણ બહાર થયો હતો અને તેને અટકાવવા માટે તેમણે તમામ પુરતી કાળજી રાખી હતી તો તે વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે નહીં.


comments powered by Disqus