ગાંધીનગર: ગુજરાતમાં 2022ના વર્ષમાં બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ખેડા-આણંદમાં ઊલ્કા પડવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી. આવા ઊલ્કાપિંડ પૃથ્વી પર અવારનવાર પડતા હોય છે. ઊલ્કાપિંડ અંગે સ્પેસ સાયન્સના વિજ્ઞાનિકો ઊંડું સંશોધન કરતા હોય છે અને પછી તારણ રજૂ કરતા હોય છે. ઓગસ્ટ 2022માં બનાસકાંઠામાં પડેલી ઊલ્કા અંગે કેટલાંક ચોંકાવનારાં સંશોધન બહાર આવ્યાં છે. અમદાવાદસ્થિત ઇસરોની ફિઝિકલ સાયન્સ લેબોરેટરી (પીઆરએલ)ના વિજ્ઞાનીઓએ સંશોધન બાદ જાહેર કર્યું છે કે, અવકાશમાંથી છેક બનાસકાંઠાની ધરતી પર પડેલી ઊલ્કા એ ઘણી દુર્લભ છે. તેનો મુખ્ય સાર એ છે છે કે, બુધ ગ્રહ પર જે ખનિજ ધાતુ હોવાનું મનાય છે અને આ ઊલ્કામાં મળેલાં તત્ત્વોમાં લગભગ સમાનતા જોવા મળી છે.
ભારતમાં છેલ્લે 1852માં ઉત્તર પ્રદેશમાં આવી ઊલ્કા પડી હોવાનું નોંધાયેલું છે એ પછી પહેલી વખત આવા પ્રકારે ઊલ્કાપિંડ મળી આવ્યો છે. 17 ઓગસ્ટ, 2022ના રોજ બનાસકાંઠાના દિયોદર તાલુકાના સરદારપુરા (રાવલ) અને રણટીલા ગામમાં પ્રચંડ ધડાકા સાથે ઊલ્કા પડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી.

