અમદાવાદઃ વૃદ્ધ માતા-પિતાની સેવા કરવાના બદલે મરણપથારીએ હોવા છતાં વિદેશથી મળવા પણ ન આવનારા બે પુત્રોને પિતાએ તમામ મિલકતમાંથી બેદખલ કરી દેવાનો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ નોંધાયો છે. સરકારી વિભાગના ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થયેલા યોગેશભાઈ અઢિયા અને તેમનાં પત્ની નમ્રતા અઢિયા તેમની માલિકીની તમામ મિલકતો અને દાગીનાને તેમનાં મૃત્યુ બાદ ટ્રસ્ટને દાનમાં આપી દેતાં તેમના બંને પુત્રોએ મિલકત મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાઇકોર્ટે ખાનગી ટ્રસ્ટ અને પાવર ઓફ એટર્નીને નોટિસ કાઢીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
સેટેલાઇટમાં રહેતા યોગેશભાઈ અઢિયા અને નમ્રતાબહેનના બે દીકરા યુકેમાં સ્થાયી છે. લાંબા સમય સુધી માતા-પિતાએ તેમને મળવા માટે બોલાવવા છતાં તેઓ આવ્યા નહોતા. હદ તો ત્યારે થઈ જ્યારે વર્ષ 2018માં નમ્રતાબહેન કિડનીની બીમારીથી પીડાતાં હતાં ત્યારે પણ બંને દીકરા આવ્યા નહોતા. આખરે દીકરાઓને જોવાની નમ્રતાબહેનની અંતિમ ઇચ્છા પણ અધૂરી રહી અને 2019માં તેઓ મૃત્યુ પામ્યાં. આ સમયે નમ્રતાબહેનની અંતિમવિધિમાં પણ બંને પૈકી એકપણ દીકરો આવ્યો નહોતો.
દીકરાઓ માટે સર્વસ્વ લુંટાવી દેવા છતાં તેમના આ પ્રકારના વર્તનથી રોષે ભરાઈને આખરે યોગેશભાઈએ સેટેલાઇટ વિસ્તારમાં આવેલો તેમનો બંગલો અને સી.જી. રોડ પરની તેમની ઓફિસ જ્ઞાતિના ટ્રસ્ટને દાનમાં આપી દીધાં હતાં.
તેમની સેવા કરનારા યુવકે મિલકત સ્વીકારવા કર્યો ઇનકાર
બંને દીકરાની ગેરહાજરીમાં તેમની ગરજ સારનારા યુવક અશોક ઓડેદરાના નામે યોગેશભાઈએ પહેલાં મિલકત કરી આપી હતી. જો કે તેના દ્વારા મિલકત લેવાનો ઇનકાર કરવામાં આવતાં આખરે યોગેશભાઈએ આ મિલકત ટ્રસ્ટને લખી આપી છે. યોગેશભાઈના આગ્રહને લીધે તેણે પાવર ઓફ એટર્ની બનીને તેમનું વિલ સાચવી રાખ્યું હતું. બે વર્ષ બાદ યોગેશભાઈનું મૃત્યુ થતાં તેમની ઇચ્છા મુજબ તેમનો બંગલો અને ઓફિસ તેમણે અગાઉથી જ નક્કી કર્યા મુજબ ટ્રસ્ટને આપી દીધાં હતાં. યોગેશભાઈએ તેમની રોકડ અને ઘરેણાં કિશોરને ભેટમાં આપ્યાં હતાં. તેમના અવસાન બાદ બંને દીકરા યુ.કે.થી ઇન્ડિયા આવ્યા ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમના પિતાએ એક પાઈ પણ તેમના નામે કરી નથી. અશોક ઓડેદરાએ તેમના પિતાએ લખેલો પત્ર તેમને આપ્યો હતો.
(જે-તે વ્યક્તિની ગરિમાને જાળવવા હેતુ સમાચારમાં ઉલ્લેખ કરાયેલી વ્યક્તિઓ અને ગામનું નામ બદલેલાં છે, જેને આગળ જરૂર પડતાં આવનારા સમયમાં ગુજરાત સમાચાર યુ.કે. એડિશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી શકે છે.)

