અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર યુ. કે.થી અમદાવાદ આવેલી ફલાઈટમાં બોગસ ભારતીય પાસપોર્ટ સાથે બોપલના એક યુવકની ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી હતી. મૂળ પોર્ટુગલની પણ યુકેમાં રહેતી એક મહિલા તેને પોતાના પુત્ર તરીકે દર્શાવી ઓગસ્ટ, 2022માં યુકે લઈ ગઈ હતી, જે પેટે તેણે પાસપોર્ટ અને પીઆર સુધીના ખર્ચપેટે રૂ. 30 લાખ ચૂકવ્યા હતા.
ઇમિગ્રેશન ઓફિસરે રાકેશકુમાર પાંડે ડ્યૂટી પર હતા ત્યારે એર ઇન્ડિયાની યુકેથી આવેલી ફલાઈટના એક પેસેન્જરના ભારતીય પાસપોર્ટમાં ક્રિશ્ચિયન નામ હતું. તેે તેના માતા-પિતાનું નામ આપી શક્યો ન હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, તેનું સાચું નામ તુષાલ પટેલ છે અને તેની પાસેનો પાસપોર્ટ બોગસ છે.

