ભુજઃ ભારતમાં અતિથિને દેવનો દરજ્જો અપાયો છે, જેને સાર્થક કરી બતાવ્યું છે ભુજના એક યુવકે. અમેરિકન દંપતી ટ્રેન દ્વારા ભુજ જઈ રહ્યું હતું, તે સમયે તેમનું દરેક દસ્તાવેજ અને નાણાં ભરેલું વોલેટ ટ્રેનમાં જ ભુલાઈ ગયું હતું. પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ ખોવાઈ જતાં અમેરિકન દંપતી ચિંતામાં મુકાયું હતું, પરંતુ તે સમયે જ ભુજના યુવક દ્વારા તેમનો સંપર્ક કરી વોલેટ પરત આપતાં અમેરિકન દંપતી ભારત અને ભારતીયોની ઇમાનદારી પર આફરિન થઈ ગયું હતું.
એક ફેમિલી મેમ્બરને લેવા ગયો અને સીટ નીચેથી વોલેટ મળ્યું
અમેરિકન દંપતી સ્ટેફની અને પીટને તેમનું વોલેટ પરત કરનારા અને ભુજ રેલવે સ્ટેશન પર રેસ્ટોરન્ટ ધરાવતા 23 વર્ષીય ચિરાગ રાજગોરે જણાવ્યું હતું કે, 20 ડિસેમ્બરે ભુજ-પૂણે ટ્રેનમાં મારા એક ફેમિલી મેમ્બર આવવાના હોવાથી હું તેમને લેવા માટે ગયો હતો. આ સમયે જ્યારે તેમનો સામાન લઈ રહ્યો હતો ત્યારે મને
ટ્રેનની સીટ નીચેથી એક વોલેટ મળી આવ્યું, મેં આસપાસ નજર કરી તો ત્યાં કોઈ જોવા મળ્યું નહીં.
અમેરિકન કપલે આપેલાં નાણાં ન લીધાં ચિરાગે
હોટેલ પર આવેલાં સ્ટેફની અને પીટે ચિરાગ રાજગોરને દસ્તાવેજ અને વોલેટ પરત આપવા માટે આભાર માન્યો હતો અને વોલેટ ક્યાંથી મળ્યું તેની માહિતી મેળવી હતી. ત્યાર બાદ સ્ટેફની અને પીટે ચિરાગને નાણાં આપવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ચિરાગે નાણાં લેવાની ના પાડતાં દંપતી ચહેરા પર સ્મિત લઈ ત્યાંથી રવાના થયું હતું.
નાણાં ચૂકવવા બહાર કાઢેલું વોલેટ મૂકતાં ભૂલી ગઈઃ સ્ટેફની
સ્ટેફનીએ આ અંગે જણાવ્યું કે, અમે અમદાવાદથી ભુજની ટ્રેન લીધી હતી. આ દરમિયાન ચા માટેનાં પૈસા કાઢવા વોલેટ બહાર કાઢ્યું હતું, પરંતુ તે મૂકવાનું હું ભૂલી ગઈ હતી. મારા વોલેટમાં રોકડ, મારું બેન્ક કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને સદભાગ્યે કેટલાંક બિઝનેસ કાર્ડ્સ હતાં, જે મારા પતિ અને હું અમારી યુ-ટ્યૂબ ચેનલને પ્રમોટ કરવા માટે સાથે રાખીએ છીએ.

