મુંદ્રા પોર્ટ હેરોઈન કાંડઃ નાણાં લશ્કર-એ-તૈયબાને પહોંચવાના હતા

Wednesday 22nd February 2023 05:27 EST
 
 

ભુજઃ સપ્ટેમ્બર 2021માં મુન્દ્રાથી પકડાયેલા 21 હજાર કરોડના હેરોઈન કેસમાં NIAએ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં હેરોઈનના વેચાણથી મળતું ભંડોળ આતંકવાદી પ્રવૃત્તિ માટે લશ્કર-એ-તૈયબાને આપવાનું હોવાનો, છ અફ્ઘાન નાગરિકો અને સાત કંપની સહિત 18 લોકો સામે આરોપ મૂકવામાં આવ્યો છે. ચાર્જશીટમાં વિત્યાશ કોસર ઉર્ફે રાજુ દુબઈ, ફ્રીદુન અમાની ઉર્ફે જાવેદ અમાન, અબ્દુલ સલામ નૂરઝાઈ અને પાકના કબજા હેઠળના કાશ્મીરમાં રહેતા મોહમ્મદ ઈકબાલ અવાનને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. હેરોઈન ભરેલા માલનાં પાંચ કન્સાઈન્મેન્ટ નવેમ્બર 2020 અને સપ્ટેમ્બર 2021 વચ્ચે મુંદ્રા અને કોલકાતા બંદરેથી આયાત કરાયાં હતાં.
2021માં અફ્ઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદરથી મુન્દ્રા આયાત કરાયેલા બે કન્ટેનરમાં ટેલ્કમ પાવડરની આડમાં 1,999.58 કિગ્રા અને 988.64 કિગ્રા હેરોઇનનો જથ્થો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો હતો. અંદાજિત રૂ.21 હજાર કરોડની બજાર કિંમતનું 2,988 કિલોગ્રામ હેરોઈન આયાત કરવાના તાર આતંકવાદ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યા બાદ એનઆઈએએ કેસ સંભાળ્યો હતો. એનઆઇએએ 2022માં 16 આરોપી સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ 29 ઓગસ્ટે વધુ નવ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ દરમિયાન ત્રીજી પૂરક ચાર્જશીટમાં પકડાયેલા અને વોન્ટેડ મળીને કુલ 14 આરોપીઓ દર્શાવવામાં આવ્યા છે. જેમાં હેરોઈનના વેચાણથી મળતું ભંડોળ આતંકવાદી પ્રવૃત્તિ માટે લશ્કરે-એ-તૈયબાના ઓપરેટર્સને અપાતું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.


comments powered by Disqus