મોરબીઃ ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનાના ચકચાર ભર્યા કેસમાં રાજય સરકાર દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશનટીમ(સીટ)ના પ્રિલીમનરી રિપોર્ટમાં પણ બહુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ, બ્રીજ તૂટી પડવાની દુર્ઘટનામાં પ્રાથમિક પરિબળો જવાબદાર ઠરાવાયા છે. તેમાં સૌથી મહત્વની વાત એ હતી કે, ઓરેવા ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી, જે લેવાઈ જ ન હતી. ઓરેવા કંપનીના માણસો, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ કરારમાં સહી કરનારા હતા. વળી, કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે પણ આ મુદ્દો મૂકાયો ન હતો. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જનરલ બોર્ડની પૂર્વમંજૂરી વિના કરાર કરવો જોઇતો ન હતો. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે ધ્યાનમાં લીધો નહી. પ્રસ્તુત કેસમાં કોઇ સક્ષમ ટેકનીકલ એક્સપર્ટ અને નિષ્ણાતોને કન્સલ્ટ કર્યા વિના જ રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહી, રીપેરીંગ કામ શરૂ કરતાં પહેલાં પણ મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટીંગ કરાયું ન હતું. સૌથી મહત્ત્વનું કે, બ્રીજના 49 માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા જે એ દર્શાવે છે કે આ વાયરો પુલ તૂટયો તે પહેલાંના જ તૂટી ગયેલા હતા. બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા હતા. નવા સસ્પેન્ડરની સાથે જુના સસ્પેન્ડર વેલ્ડીંગ કરી દેવાયા હતા. ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું. આમ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકાની ગંભીર નિષ્કાળજી, બેદ૨કારી અને ચૂક સામે આવ્યા હતા.

