મ્યાનમારમાં ફસાયેલા યુવક પર થયો અમાનુષી અત્યાચાર

Wednesday 22nd February 2023 05:56 EST
 
 

જૂનાગઢઃ વિદેશમાં નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા યુવાનો માટે ચેતવનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢથી નોકરી માટે મ્યાનમાર ગયેલા એક યુવાન પર ત્યાં કંપની દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો. આ યુવાનને હાલમાં જ મ્યાનમારથી છોડાવવામાં આવ્યો છે. આ યુવાનની આપવીતી જાણ્યા બાદ અનેક યુવાનો અને માતા-પિતા પોતાનાં સંતાનોને વિદેશ મોકલતા પહેલાં લાખ વખત વિચાર કરશે.
જૂનાગઢના માળીયાહાટીનાના બાબરા ગામનો યુવાન કિશન વાળા મોટી રકમનો પગાર મળવાની આશાએ મ્યાનમાર ગયો હતો. ત્યાં કામ કરતા કંપનીમાં તેની સાથે અમાનુષી વર્તન કરવામાં આવ્યું હતું. તેને એટલી યાતનાઓ આપવામાં આવી કે, કોઈ કેદીને જેલવાસ દરમિયાન પણ આપવામાં ન આવે. ચીનની સરહદ પર આવેલા આ વિસ્તારમાં ફ્રોડ કંપનીઓ દ્વારા ડ્રગ્સ પણ મોટાપાયે સપ્લાય થાય છે. ભારતના હજુ પણ 200થી વધુ લોકો આ વિસ્તારમાં ફસાયેલા છે.
કંપની દ્વારા યાતના અપાતી
કિશન સહિતના અનેક યુવાનોને મ્યાનમારની કંપનીએ ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો. જો પૂરો ન થાય તો ઝાડ પર લટકાવી પાઇપો મારવામાં આવતી હતી અને 5-5 દિવસ ભૂખ્યા રાખવામાં આવતા હતા. કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટનું કામ હેઠળ ગ્રાહકો લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો. જે દિવસે કંપનીએ આપેલા ટાર્ગેટ મુજબ ગ્રાહકો ન મળે તે દિવસે યુવકને માર મારવામાં આવતો હતો અને જમવાનું પણ આપવામાં આવતું ન હતું. પરત વતન જવા દેવા માટે કંપનીએ 7 હજાર ડોલરની માગ કરી હતી, જેથી પરિવારજનોએ જેમ-તેમ કરીને પૈસા ભેગા કરીને યુવકને આ કંપનીની ચુંગલથી તેને છોડાવ્યો.
પરિવારજનો દ્વારા પોતાના જ નજીકના સભ્યોને જાણ કરવામાં આવી હતી. જે બાદ તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની મદદથી મ્યાનમારમાં ગોંધી રાખવામાં આવેલા કિશન વાળા તેમજ અન્ય યુવાનોને બચાવી ભારત પરત લાવવામાં આવ્યા હતા.
કિશને જણાવ્યું કે, હજુ પણ મ્યાનમારમાં ભારત સહિત અનેક દેશોના યુવાનો ફસાયેલા છે, જેમને છોડાવવા જરૂરી પગલાં ભરવાં જોઈએ.


comments powered by Disqus