વડોદરામાં ગેરકાયદે બનેલું વ્હાઇટ હાઉસ તોડી પડાયું

Wednesday 22nd February 2023 05:28 EST
 
 

વડોદરાઃ વડોદરામાં સો કરોડની સરકારી જમીન પર ગેરકાયદે ઊભા કરવામાં આવેલા ‘વ્હાઇટ હાઉસ’ નામના વૈભવી બંગલો સહિત આકાર લઈ રહેલા ડુપ્લેક્સ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા મનપા, વીજકંપની તથા પોલીસનો સહયોગ લઈને ઓપરેશન પાર પાડીને સરકારી જમીનનાં તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. કામગીરીને રોકવા માટે હાઇકોર્ટ સુધી પહોંચેલા ભૂમાફિયાના પરિવારજનોએ વિઘ્ન નાખવા માટેના ધમપછાડા કર્યા હતા, પરંતુ હાઇકોર્ટમાંથી કોઈ જ રાહત ન મળતાં બપોર બાદ કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ હતી.
વડોદરાના વાઘોડિયા રોડ ડી-માર્ટની પાછળ સો કરોડની કિંમતની સરકારી જમીન પર શરતફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના પર બનાવી દેવાયેલા ‘વ્હાઇટ હાઉસ’ નામથી જાણીતા વૈભવી બંગલો અને નવા આકાર લઈ રહેલા પાંચ ડુપ્લેક્સ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા વ્હાઇટ હાઉસ તોડી પાડવાનો નિર્ણય લેવાયા બાદ કાર્યવાહી શરૂ કરાઈ હતી. બીજી તરફ જેલવાસ ભોગવી રહેલા ભૂમાફિયા સંજયસિંના પુત્ર કુમારસિંહ પરમારે સ્થળ પર પત્રકારોને જણાવ્યું હતું કે, દસ્તાવેજ મારાં મમ્મીના નામનો છે. હાઇકોર્ટે બાંધકામ તોડવા સામે સ્ટે આપેલો છે.
બહુચર્ચિત કાંડના સૂત્રધાર ભૂમાફિયા સંજયસિંહ પરમાર દ્વારા સરકારી જમીનના બોગસ દસ્તાવેજો ઊભા કરી પોતાનો ભવ્ય બંગલો વ્હાઇટ હાઉસ બનાવી દેવાયો હતો. આ ઉપરાંત ભવ્ય ડુપ્લેક્સની સ્કીમ સામે કાર્યવાહી ચાલતી હતી. આખરે વડોદરા જિલ્લા કલેક્ટરે સરકારી જમીન પચાવી પાડનારા સંજયસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ કરવા માટે હુકમ કર્યો હતો. જે હુકમના આધારે ભૂમાફિયા સંજયસિંહ પરમાર અને તેની પત્ની લક્ષ્મીબહેન સહિત ત્રણ સામે ક્રાઇમબ્રાન્ચમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ ધરપકડ કરાઈ હતી. તેમની તપાસમાં સિટી સરવેમાં નામ દાખલ કરાવવામાં કોર્પોરેશનના કર્મચારીઓએ ફોર્મ F ભરવા માટે વિવિધ ભૂમિકા ભજવી હતી, જેથી ત્રણેય કર્મચારીઓ સોહમ પટેલ, નિર્મલ કંથારિયા અને શનાભાઈ તડવીની ધરપકડ કરવામાં આવી હતી.


comments powered by Disqus