વિકાસની હોડમાં સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું દેવાદાર

Wednesday 22nd February 2023 05:27 EST
 
 

અમદાવાદઃ વિદેશની અનુભૂતિ કરાવવા અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદની સરખામણી શાંઘાઈ સાથે કરવાના ચક્કરમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા એટલા મોટા ખર્ચા કરવામાં આવ્યા છે કે હાલની સ્થિતિમાં અમદાવાદ શહેરના માથે કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું છે.

અનેક પ્રોજેક્ટ મૃતપાય હાલતમાં
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના સ્માર્ટ સિટી બનાવવાના નામે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતા. જો કે મોટાભાગના પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવ્યા બાદ જ પડતા મૂકવામાં આવ્યા છે. જે પ્રોજેક્ટને આગળ વધારવામાં આવ્યા છે તે પ્રોજેક્ટ પણ બંધ હાલતમાં છે. સ્માર્ટ ટોઇલેટ પર નિયમોને પડતા મૂકીને જાહેરાતનાં હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યાં છે, જે પણ નિયમના વિરુદ્ધમાં ત્રણ મીટરથી નીચે. આ ફેલ પ્રોજેક્ટમાં 17 વોટર એટીએમ પ્રોજેક્ટ, પ્લાસ્ટિક ફ્રી અમદાવાદ બનાવવા વિવિધ સ્થળે મશીનનો પ્રોજેક્ટ, પાર્કિંગ પ્રોજેક્ટ એપ્લિકેશન, 132 ફૂટ રિંગરોડ પર સ્માર્ટ રોડ પ્રોજેક્ટ, 150 સ્થળનો વાઇફાઇ પ્રોજેક્ટ, સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ પ્રોજેક્ટનું પણ સૂરસુરિયું થયું છે. આ તમામ પ્રોજેક્ટ દ્વારા મળતિયાઓને મોટો ફાયદો કરાયો હોવાનો વિપક્ષ દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ કોર્પોરેશન પર રૂ. 4000 કરોડથી વધુનું દેવું
અમદાવાદ કોર્પોરેશનના આ ધડમાથા વિનાના ખર્ચાના પગલે અમદાવાદ શહેર સ્માર્ટ સિટી નહીં પણ દેવાદાર સિટી ચોક્કસ બન્યું. હાલની સ્થિતિ પ્રમાણે અમદાવાદ કોર્પોરેશન પર રૂ. 4,000 કરોડથી વધુનું દેવું છે. આ દેવું ભરવા માટે લોકો પર કરોડોનો પ્રોપર્ટી ટેક્સનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટમાં રૂ. 1317.67 કરોડનું દેવું દર્શાવવામાં આવ્યું છે પણ તેમાં વર્લ્ડ બેન્ક પાસેથી લીધેલી રૂ. 3,000 કરોડની લોન ઉમેરાઈ નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને વર્લ્ડ બેન્કની લોનથી 3,000 કરોડ પૈકી રૂ.1200 કરોડનાં ટેન્ડર બહાર પાડી દીધાં છે પણ જ્યાં સુધી વર્લ્ડ બેન્કની લોનની રકમ મળે નહીં ત્યાં સુધી તે કુલ દેવામાં દર્શાવાશે નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના માથે વર્લ્ડ બેન્કની સાથે ગણીએ તો રૂ. 4,317.67 કરોડનું દેવું થશે.


comments powered by Disqus