વેદાંતા-ફોક્સફોનના સેમિકંડક્ટર પ્લાન્ટ માટે ધોલેરામાં 700 એકર જમીન

Wednesday 22nd February 2023 04:31 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત માટે મહત્ત્વના ગણાતા વેદાંતા- ફોક્સકોન કંપનીના સેમિકંડક્ટર ચિપ્સ ઉત્પાદનના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે ધોલેરા ખાતે લેન્ડ પાર્સલ તૈયાર રાખ્યું છે. કંપનીએ સાણંદ અને ધોલેરા પૈકી ધોલેરાની પસંદગી કરતાં ગુજરાત સરકાર દ્વારા 700 એકર જમીન ફાળવવાની તૈયારીઓ કરાઈ છે. હાલ આ જમીન નિર્ધારિત કરી દેવામાં આવી છે. પ્રોજેક્ટ શરૂ થતાં જ ધોલેરા સેમિકંડક્ટર સિટી બનશે. વેદાંતા-ફોક્સકોન કંપની દ્વારા રૂ. 1.54 લાખ કરોડના ખર્ચે સેમિકંડક્ટર ચિપ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે સપ્ટેમ્બર - 2022માં ગુજરાત સરકાર સાથે એમઓયુ કરાયા હતા. કંપનીની અગાઉ આ પ્લાન્ટ માટે મહારાષ્ટ્ર સ૨કા૨ સાથે પણ વાટાઘાટ થઈ હતી, પરંતુ આખરે તેમણે ગુજરાત પર પસંદગી ઉતારી છે. આ કારણે કંપનીને પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા તમામ મદદ કરવામાં આવી રહી છે. ધોલેરામાં સેમિકંડક્ટર ચિપ્સના ઉત્પાદન માટે 700 એકર જમીન ઇયરમાર્ક કરી દેવામાં આવી છે. આ જ પોકેટમાં એન્સિલરી કંપનીઓને પણ જમીન અપાશે. પ્લાન્ટ માટે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી સુવિધા તાત્કાલિક ઊભી કરવા સૂચના આપવામાં આવી છે.
1 લાખ લોકોને રોજગાર મળશે
વેદાંતા- ફોક્સકોન કંપનીના સેમિકંડક્ટરના પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી મળ્યા પછી ગુજરાત સરકાર દ્વારા જમીન ફાળવણીના સત્તાવાર આદેશ કરાશે. તે પછી શક્ય તેટલી ઝડપથી જમીન કંપનીને હસ્તાંતર કરાશે. આ જમીન નક્કી કરી દેવાઈ છે. રૂ. 1.54 લાખ કરોડના મૂડીરોકાણ ઉપરાંત અહીં એક લાખ લોકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.


comments powered by Disqus