શિવભક્તની અનોખી હઠઃ લગ્ન શિવરાત્રીએ મહાદેવની જેમ જ...

Wednesday 22nd February 2023 05:28 EST
 
 

ગોધરાઃ શિવરાત્રીએ લગ્નના મુહૂર્ત સમયે વરરાજાએ અનોખી હઠ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. શિવરાત્રીએ ગોધરાના કાછિયા સમાજના રિષભ પટેલે શિવજીની વેષભૂષા ધારણ કરી લગ્ન કર્યાં હતાં. રિષભ શિવભક્ત હોવાથી તેણે મહાદેવના વેશમાં જ પ્રભુતામાં પગલાં માંડવાનું નક્કી કર્યું હતું.
ગોધરામાં જ્યારે રિષભનો વરઘોડો નીકળ્યો ત્યારે સ્થાનિકો આશ્ચર્યમાં સરી પડ્યા હતા, કારણ કે આ વરઘોડામાં વરરાજા નહોતા દેખાઈ રહ્યા, પરંતુ ભસ્મ લગાવી હાથમાં ત્રિશૂળ સાથે લગ્ન માટે જઈ રહેલો રિષભ દેખાયો હતો. રિષભની સાથે આ વરઘોડામાં ભભૂતધારી અન્ય સાધુસંતો પણ જોડાયા હતા. તો ડીજેના તાલના સ્થાને જાનમાં શિવભક્તિમય ગીતો અને ભજનોની રમઝટ બોલાવાઈ હતી, જેથી સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો.
અર્ધાંગિની-પરિવારે રિષભનો સાથ આપ્યો
મહાશિવરાત્રીએ ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કોઈ લગ્નપ્રસંગ યોજાતો નથી, પરંતુ રિષભ પટેલ શિવભક્ત હોવાથી આ દિવસે જ લગ્ન કરવા હઠ પકડી હતી. રિષભે જણાવ્યું કે, મારે મહાદેવની સ્ટાઇલમાં લગ્ન કરવા હતાં જેથી શિવરાત્રીએ જ લગ્ન કર્યાં. મારી સગાઈ સમયે જ મારી અર્ધાંગિનીને આ અંગે કહ્યું હતું, જેમાં તેણે પણ સહમતી આપતાં આ પ્રકારે લગ્ન કર્યાં છે.


comments powered by Disqus