ભુજઃ સોમવારે સવારે 11.41 વાગ્યે દુધઇ નજીક ફરી 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ગામથી ઉત્તર-પૂર્વ દિશાએ 26 કિ.મી.ના અંતરે 15.3 કિ.મી.ની ઊંડાઈએ તેનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. આમ આ ફોલ્ટ લાઇનમાં ચાલુ મહિને જ 5 નાના આંચકા આવ્યા છે, જે પેટાળમાં સળવળાટ સક્રિય થયો હોવાનું સૂચવે છે. સતત આવતા આંચકા અને ભૂગર્ભમાં વધેલી ગતિવિધિથી ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે તેમ તજજ્ઞોનું કહેવું છે.
આ અંગે વધુ વિગતો આપતાં કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ વિભાગના વડા તેમજ ભૂસ્તરશાસ્ત્રી ડો. પ્રો. મહેશ ઠક્કરે કહ્યું હતું કે, એક તરફ કંપન આવતા રહેવાથી ભૂતળની ઊર્જા નિષ્કાષિત થઈ જાય છે પણ ભૂગર્ભની ગતિવિધિ તેજ બનતાં હવે મોટો ભૂકંપ પણ ગમે ત્યારે આવી શકે છે.

