જોહાનિસબર્ગઃ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં એક નિગ્રો હુમલાખોર દ્વારા લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર ભરૂચના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારીઅર્થે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો હતો. જ્યાં તે ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઇલ શોપમાં જોબ કરતો હતો. સોમવારે નિગ્રો લૂંટના ઇરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા, જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. નિગ્રો હથિયારો સાથે આવી પહોંચતાં નાસભાગ મચી હતી, જેના કારણે નિગ્રોએ ગોળીબાર કર્યો હતો.
સારવાર પહેલાં જ મોત
નિગ્રોએ કરેલા ગોળીબારમાં જુબેર પટેલને ગોળી વાગી હતી અને તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો જુબેરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે એ પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. જોહાનિસબર્ગમાં જુબેરની હત્યાના સમાચાર મળતાં જ જંબુસર ગામ અને જુબેરના પરિવારમાં માતમ છવાયો હતો. ગુજરાતીઓ પર થતા હુમલાથી પરિજનો ચિંતિત બન્યા છે.
7 માસમાં 8 ગુજરાતીની હત્યા
છેલ્લા થોડા સમયથી વિદેશમાં ગુજરાતીઓની હત્યામાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો 7 મહિનામાં 8 ગુજરાતીની વિદેશમાં હત્યા થઈ ચૂકી છે. જોહાનિસબર્ગમાં જુબેર પટેલ પહેલાં કેન્યામાં મોબાઇલની દુકાનમાં કામ કરતા કેતન શાહ, અમેરિકાના એટલાન્ટામાં પિનલભાઈ પટેલ, અમેરિકાની મોટેલમાં રજનીકાંતભાઈ અને તેમનાં પત્ની નિરીક્ષાબહેન, અમેરિકાના ટેનિસીમાં સ્ટોર ચલાવતા ઊંટવા ગામના વિશાલ પટેલ, દ.આફ્રિકાના ઝામ્બિયામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા, આફ્રિકાના કોંગોમાં આણંદના આઝીમ ધાનાણીની હત્યા થઈ ચૂકી છે. જેમાં મોટાભાગે નિગ્રો દ્વારા હુમલાના બનાવ વધુ નોંધાયા છે.

