સાધુઓની રવેડી અને મૃગી કુંડમાં શાહીસ્નાન સાથે મહાશિવરાત્રી મેળો સંપન્ન

Wednesday 22nd February 2023 05:57 EST
 
 

જૂનાગઢઃ ભવનાથ ક્ષેત્રના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓએ ભવનાથના મેળાનો લહાવો લીધો હતો. મેળામાં ત્રણ દિવસ દરમિયાનના 11 લાખથી વધુ ભાવિકો મેળામાં ઊમટી પડ્યા હતા, ત્યારે શિવરાત્રિની રાત્રે રવેડીનાં દર્શન અને સંતોના શાહીસ્નાન સાથે મધરાતે મેળાનું સમાપન થયું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથ મંદિરમાં પૂજા કરી ભારતી આશ્રમ, અગ્નિ અખાડા, ગોરખનાથ આશ્રમ, શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમમાં સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. મેળાના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. 4 દિવસના મેળા દરમિયાન પ્રથમ બે દિવસમાં 4 લાખ લોકોએ, ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભાવિકોએ ભવનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. તો ચોથા દિવસે 8 લાખથી વધુ ભક્તો મેળામાં પહોંચ્યા હતા. મોડી રાત સુધી ભાવિકો અવિરતપણે તળેટી તરફ જવા પ્રયાણ કરતા હોવાથી એક તબક્કે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં ભવનાથ શિવરાત્રીના મેળામાં મહાદેવના દર્શને આવેલા ભાવિક ભક્તો રવેડી નીકળે તે પહેલાં જ કલાકો સુધી રોડની બંને સાઇડ બેસી ગયા હતા.
રાતે 9 વાગ્યે તમામ અખાડા, સાધુસંતો, નાગા સાધુ, મહામંડલેશ્વરો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી, જે બાદ વિધિવત્ રીતે રવેડીની શરૂઆત કરવામાં આવી હતી. રવેડી ભવનાથ ક્ષેત્રના અલગ અલગ રૂટ પર નીકળી હતી, ત્યારબાદ ભવનાથ ખાતે રવેડી પરત ફરી હતી જ્યાં સાધુગણના અધ્યક્ષ હરિગિરિજી મહારાજ દ્વારા ભવનાથ મંદિર ખાતે મહાદેવની આરતી કરવામાં આવી હતી.
ત્યારબાદ નાગા સાધુઓ અને મહામંડલેશ્વરો દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવામાં આવ્યું હતું. આ અલૌકિક આસ્થાના કેન્દ્રસમી આ ક્ષણને જોવાનો લાખો લોકોએ લહાવો લીધો હતો. નાગા સાધુઓ દ્વારા રવેડીમાં અલગ અલગ પ્રકારનાં અંગપ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં, જેમાં લઠ્ઠબાજી, પટ્ટાબાજી, તલવારબાજીનાં વિવિધ કરતબો કરવામાં આવ્યાં હતાં. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે બંધ રહેલા શિવરાત્રી મેળા બાદ આ વર્ષે વિક્રમસર્જક સંખ્યામાં શિવરાત્રી મેળાને લોકોએ મન ભરીને માણ્યો હતો.


comments powered by Disqus