લંડનઃ ઈન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે એશિયન વોઈસ અને રોયલ એર ફોર્સના સહયોગમાં 13 માર્ચે ‘વિમેન ઈન કન્વર્ઝેશન’ ઈવેન્ટનું આયોજન કરાયું હતું જેનું થીમ ‘એમ્બ્રેસિંગ ઈક્વિટી’ હતું. ABPLના ઈતિહાસમાં આ વર્ષ સીમાચિહ્નરૂપ છે જ્યારે ‘ગુજરાત સમાચાર’ અપ્રતિમ સામુદાયિક સેવાના 50 વર્ષની ઉજવણી કરી રહેલ છે.
‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ના સમગ્ર ઈતિહાસમાં સ્ત્રીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.‘ગુજરાત સમાચાર’ના પ્રથમ તંત્રી પણ મહિલા- કુસુમબહેન શાહ હતાં. ગત 50 વર્ષોમાં ‘એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર’ના સૌથી વરિષ્ઠ તંત્રીઓ તરીકેની સેવા પણ સ્ત્રીઓએ જ આપી છે. વાસ્તવમાં ગત 50 વર્ષના ગાળામાં વિવિધ ભૂમિકા ધરાવતા 14 તંત્રીઓમાંથી 9 તંત્રી તો સ્ત્રીઓ જ રહી છે.
પેનલચર્ચાનો આરંભ થાય તે પહેલા રોયલ એર ફોર્સના એર કોમોડોર જો લિન્કન MBEએ પ્રારંભિક વક્તવ્ય આપ્યું હતું. પેનલચર્ચામાં મધ્યસ્થ તરીકેની કામગીરી બિઝનેસ સાયકોલોજિસ્ટ, ટ્રેઈનર, ટ્રાન્સફોર્મેશનલ કોચ અને TEDx સ્પીકર મમતા સાહાએ સંભાળી હતી.પેનલિસ્ટોમાં Net-a-Porter ગ્રૂપ, હાર્વે નિકોલસ અને ફારફેચ જેવી પ્રતિષ્ઠિત ફર્મ્સના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ઈનોવેશન એક્ઝિક્યુટિવ નીનાબહેન પટેલ, સેલેબ્રિટી શેફ, રેસ્ટરટર (દાર્જિલિંગ એક્સપ્રેસ) અને એવોર્ડવિજેતા કૂકબૂકના લેખિકા અસ્માબહેન ખાન, બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં એક્સ્ટર્નલ મોનેટરી પોલિસી કમિટીના સભ્ય અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સના એસોસિયેટ પ્રોફેસર ડો. સ્વાતિબહેન ઢીંગરા તેમજ નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ અલુમની યુનિયન યુકે (NISAU-UK)ના અધ્યક્ષ અને યુકેમા ઈન્ટરનેશનલ હાયર એજ્યુકેશન કમિશનના કમિશનર સનમબહેન અરોરાનો સમાવેશ થયો હતો.
પેનલિસ્ટ નીનાબહેન પટેલે જણાવ્યું હતું કે,‘મારું માનવું છે કે સમાનતા એ સ્થળે છે જ્યાં બધાને એવી લાગણી થતી હોય કે તક અને પ્રગતિ માત્ર મેરિટ પર આધારિત હોવાનું શક્ય છે.’ તેમણે ઉમેર્યું હતું કે ‘તેઓ જેમના ભારે પ્રશંસક છે તેવી મહિલાએ એક વખત કહ્યું હતું કે સમાનતા એ બાબત છે જ્યાં લીડરશિપની પોઝિશનમાં મધ્યમ સ્તરના પુરુષો હોય એટલી જ સંખ્યામાં મધ્યમ સ્તરની સ્ત્રીઓ પણ હોય. આમ કહેવું જરા વિવાદસ્પદ જણાય પરંતુ, આ જ સાચું છે. બધા જ માટે સમાન તકનું અસ્તિત્વ હોય તે જરૂરી છે.’
મહિલાઓને બધું જ મળી શકે તેવા પ્રશ્નના ઉત્તરમાં અસ્માબહેન ખાને કહ્યું હતું કે,‘આનો ઉત્તર ના છે. હું માનું છું કે આપણે બધા જ એક કે બીજી રીતે ઘણાં વિશિષ્ટ છીએ. જો તમારી પાસે પુરતું હોય તો તમારે અન્યો સાથે તેને સહભાગી બનાવી મદદ કરવી જોઈએ. મારા બિઝનેસના કામકાજના કારણે હું મારા બાળકો સાથે પ્રસંગોપાત ભોજન લઈ શકું છું પરંતુ, હું મારાં કાર્ય અને અંગત જિંદગી વચ્ચે સમતુલા સાધવાનો પ્રયાસ કરું છું. જોકે, મારી ઈચ્છા હોય તે પ્રમાણે કદાચ સફળ થઈ શકતી નથી પરંતુ, મેં મારી જાતને માફ કરી દીધી છે. સ્ત્રીઓ બધું જ મેળવી શકતી નથી અને પુરુષો પણ બધું મેળવી શકતા નથી. તેઓ ફક્ત માન્યતા ધરાવે છે કે તેમની પાસે બધું જ છે.’
સમાનતા વિશે પોતાની સમજમાં સહભાગી બનાવતા ખાને ઉમેર્યું હતું કે,‘ હું માનું છું કે સૌથી મહત્ત્વની બાબત તેનાથી તમને કેવી લાગણીનો અનુભવ થાય છે તે છે. સમાનતા એટલે તમારા સન્માન અને આદર થાય તેના અનુભવની છે અને તમને બાજુએ ખસેડી દેવાય કે હીનતા અનુભવાય તે વિશે નથી.’
ડો. સ્વાતિબહેન ઢીંગરાએ મહિલાઓ ક્યાં ખોટી પડી શકે તે સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘ હું માનું છું‘ કે આપણામાંથી ઘણા લોકો છેવટે તો પુરુષોની માફક જ વર્તવાનું શરૂ કરી દે છે. આપણે ઘણી વખત પોતાને કહીએ છીએ કે,‘ મને બધા સાંભળે તે માટે મારે હજુ ઊંચા અવાજે બોલવું જોઈએ અને હું પુરુષની માફક વર્તવાનું શરૂ કરી દઈશ.’ તેમણે વધુમાં કહ્યું હતું કે,‘મને લાગે છે કે આ પ્રતિકૂળ-અનુત્પાદક છે. હું ખરેખર આશા રાખું કે સ્ત્રીઓ આ છટકામાં ફસાઈ ન જાય કારણકે આનાથી તો આપણે જે વિશ્વનું નિર્માણ કરવાં માગતાં નથી છેવટે તે જ વિશ્વનું સર્જન કરી દઈશું. આપણા વર્કપ્લેસમાં સ્ત્રીનાં લક્ષણો-ખાસિયતોનું પ્રતિબિંબ પડે તેમ ઈચ્છીએ છીએ.’
સનમબહેન અરોરાએ જણાવ્યું હતું કે તેઓ પુરુષના આધિપત્યના વાતાવરણમાં સાનુકૂળ બની રહેવાની લાગણી વિના જ આરામદાયક હોવાની લાગણી અનુભવું છું. એવાં ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે હું પુરુષોથી ભરચક રૂમમાં પહોંચી ગઈ હોઉ અને તદ્દન સ્વસ્થતા અનુભવી હોય. તમારી હાજરી બરાબર વર્તાય તે માટે તમારી વાસ્તવિક ઓળખને રજૂ કરવાની જરૂર રહે છે.’
પેનલચર્ચા પછી થોડો સમય પ્રશ્નોત્તરી ચાલી હતી.
ABPLના ચેરમેન સી.બી.પટેલે માનવંતા મહેમાનો અને આ ઈવેન્ટના યજમાનપદે એશિયન વોઈસ સાથે ભાગીદારી કરવા બદલ રોયલ એર ફોર્સનો આભાર માન્યો હતો. તેમણે ત્રુટિરહિત આતિથ્ય બદલ તાજ હોટેલ્સના મેહેરનવાઝ અવારી અને શાલિની ગ્રોવર પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ સલૂણી સાંજનું યજમાનપદ એશિયન વોઈસના મેનેજિંગ એડિટર રુપાંજના દત્તાએ શોભાવ્યું હતું.
(તમામ ફોટોસૌજન્ય: રાજ ડી. બકરાણિયા
PR Mediapix)
----------------
મોટાં સ્વપ્ના નિહાળો અને તેને સાકાર કરવાં સજ્જ બનો
એર કોમોડોર જો લિંકન, RAF
આ વર્ષના ‘વિમેન ઈન કન્વર્ઝેશન’ ઈવેન્ટમાં RAF ટીમની બાગડોર એર કોમોડોર જો લિંકને સંભાળી હતી. તેમણે ઓડિયન્સને સંબોધતાં જણાવ્યું હતું કે,‘રોયલ એર ફોર્સના વતી આજની સાંજે અહીં ઉપસ્થિત રહેવું તે અમારા માટે ગૌરવની બાબત છે. મારાં પછી અસાધારણ પેનલનો વારો હોવાની જાણ છે ત્યારે હું વધારે બોલી શકું તેમ નથી.’
એર કોમોડોર જો લિંકને કહ્યું હતું કે,‘હું 1997માં રોયલ એર ફોર્સમાં જોડાઈ હતી ત્યારે મહિલાઓ માટે બધી ભૂમિકા ખુલ્લી ન હતી. આજે હું જે સ્થાને છું ત્યાં પહોંચતા મને 25 વર્ષ લાગ્યાં છે અને હું પ્રત્યેક ક્ષણને માણી-ઉજવી રહી છું. હું 17 અથવા 21 વર્ષની હતી ત્યારે મને કલ્પના પણ ન હતી કે હું એર કોમોડોર જેવાં શુકનવંતા ગ્રૂપમાં પહોંચીશ અને તમારા બધા સમક્ષ ઉભા રહીને ‘થેન્ક્યુ’ બોલવાનો વિશેષાધિકાર હાંસલ કરીશ. આજે રાત્રે અહીં ઉપસ્થિત મહિલાઓ હું એટલું જ કહીશ કે, ‘ કશું પણ શક્ય છે. મોટાં સ્વપ્ના નિહાળો. અને તેને સાકાર કરવા સજ્જ બનો. તમે આ નહિ કરી શકો તેમ બોલવાની કોઈને પણ તક આપશો નહિ.’ RAFના પોતાના સાથીદારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે,‘તમારાં સપોર્ટ બદલ ઘણો આભાર. રોયલ એર ફોર્સના ઓફિસરો તરીકે આપણે બધા જ તેમની સાથેની અસાધારણ ટીમ વિના કશું કરી શકે નહિ. હું જ્યાં પણ રહી છું, મને પ્રતિભાશાળી ટીમ મળી છે.’
એર કોમોડોર સુધીની પ્રેરણાદાયી યાત્રા
બ્રિસ્ટોલની યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (વિથ સ્પેનિશ)માં બી.એ. (ઓનર્સ)ના સ્નાતક બન્યાં પછી એર કોમોડોર જો લિંકન 1997માં RAF સાથે જોડાયાં હતાં. RAFC ક્રેનવેલ અને RAFબ્રીઝ નોર્ટન ખાતે લોજિસ્ટિક્સ અને એર મૂવમેન્ટ ટ્રેનિંગ પરિપૂર્ણ કર્યાં પછી તેમની ડ્યૂટી એર મૂવમેન્ટ્સ ઓફિસર તરીકે નિમણૂક થઈ હતી. આના પછી તેમણે રોયલ ન્યૂ ઝીલેન્ડ એર ફોર્સના સપોર્ટમાં 4 મહિના વીતાવ્યાં હતાં. આ ગાળા દરમિયાન, તેમને ઈસ્ટ ટિમોર અને સાઉથ ઈસ્ટ એશિયામાં ગોઠવવામાં આવ્યાં હતાં. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ યુનાઈટેડ કિંગ્ડમ મોબાઈલ એર મૂવમેન્ટ્સ સ્ક્વોડ્રનમાં ટીમ લીડર તરીકે જોડાયાં હતાં અને સીએરા લિઓન, મેસેડોનિયા, કોસોવો અને અફઘાનિસ્તાનમાં ઓપરેશન્સના સપોર્ટમાં મૂકાયાં હતાં. આ પછી, ઓપરેશન ઈરાકી ફ્રીડમ દરમિયાન તેમને એર મોબિલિટી કમાન્ડમાં યુએસએમાં એક્સચેન્જ ઓફિસર તરીકે કામગીરી સુપરત કરાઈ હતી જે તેમનું સદનસીબ બની રહ્યું હતું. આ પછી તેમને યુએસ ટ્રાન્સપોર્ટેશન કમાન્ડમાં ફરજ સોંપાઈ હતી જ્યાં તેમની કામગીરી મિડલ ઈસ્ટ માટે ડિપ્લોયેબલ ડિસ્ટ્રિબ્યુશન ઓપરેશન્સ સેન્ટરના વિકાસ અને મૂલ્યાંકનની હતી.
યુકે પરત આવ્યાં પછી તેમની પસંદગી ચીફ ઓફ ધ એર સ્ટાફના સ્ટાફ ઓફિસર તરીકે કરાઈ હતી. એર ચીફ માર્શલ સર જોક સ્ટીરપ્સની નિયુક્તિ ચીફ ઓફ ધ ડિફેન્સ સ્ટાફ તરીકે કરાઈ ત્યારે તેઓ પોતાના પ્રિન્સિપાલની સાથે જ આગળ વધ્યાં હતાં. સ્ક્વોડ્રન લીડર તરીકે પ્રમોશન મેળવ્યાં પછી તેમનું પોસ્ટિંગ લોજિસ્ટિક્સ એડવાઈઝર તરીકે જોઈન્ટ ફોર્સ એર કોમ્પોનેન્ટ હેડ ક્વાર્ટર્સમાં કરાયું હતું. ઈરાક અને અફઘાનિસ્તાન વચ્ચે એરલિફ્ટને સાનુકૂળ બનાવવા કોએલિશન એર મૂવમેન્ટ્સ કોઓર્ડિનેશન સેન્ટર સ્થાપવાની કામગીરીમાં તેમને અલ ઉદૈદમાં કમ્બાઈન્ડ એર ઓપરેશન્સ સેન્ટરમાં અને તે પછી, યુનાઈઇટેડ આરબ એમિરેટ્સમાં અલ મિન્હાદ એર બેઝમાં પ્રથમ યુકે ડિટેચમેન્ટ કમાન્ડર તરીકે મૂકાયાં હતાં.
2009માં તેમની નિયુક્તિ RAF બ્રીઝ નોર્ટન ખાતે ઓફિસર કમાન્ડર લોજિસ્ટિક્સ સ્ક્વોડ્રન તરીકે કરવામાં આવી હતી. આ પ્રવાસમાં તેમણે પ્રોગ્રામ ફ્યુચર બ્રીઝના લોજિસ્ટિક્સ વર્કસ્ટ્રાન્ડ્સની સંયુક્ત નેતાગીરી સંભાળી હતી, એર લોજિસ્ટિક્સ સ્ટાફ કોર્સ પૂરો કર્યો હતો અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ મેળવ્યો હતો. RAF બ્રીઝ નોર્ટન ખાતે તેમના યોગદાન બદલ તેમને ન્યુ યર્સ ઓનર્સ લિસ્ટ 2012માં મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર નિયુક્ત કરાયાં હતાં. આ પછી તેમણે એડવાન્સ્ડ કમાન્ડ એન્ડ સ્ટાફ કોર્સમાં હાજરી આપી હતી જ્યાં તેમણે માસ્ટર્સ ડીગ્રી હાંસલ કરી હતી અને વિંગ કમાન્ડર તરીકે તેમની બઢતી થઈ હતી. આ પછી તેમનું 2012માં પોસ્ટિંગ લીડ પ્લાનર તરીકે જોઈન્ટ ફોર્સ લોજિસ્ટિક્સ હેડક્વાર્ટર્સમાં થયું હતું. અહીં તેમને રિડિપ્લોયમેન્ટ પ્લાનિંગ હાથ ધરવા અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યાં હતાં. આના પછી, તેમને પુનઃ માલી મોકલાયાં હતાં જ્યાં તેમની પ્રથમ ભૂમિકા ચીફ ઓફ સ્ટાફ તરીકે અને તે પછી, પાર્લામેન્ટરી ચૂંટણીઓ દરમિયાન ઓપરેશનલ લાયેઝન ટીમ લીડર તરીકે હતી.
ટાયફૂન હૈયાનના પ્રતિભાવ (સ્થળાંતરની 12 કલાકની ટુંકી નોટિસમાં) તરીકે તેમને યુકેના જોઈન્ટ ટાસ્ક ફોર્સના ચીફ ઓફ સ્ટાફ તરીકે ફિલિપાઈન્સ મોકલવામાં આવ્યાં હતાં. આ વ્યસ્ત કામગીરી પછી તેઓ સદનસીબ હતાં કે ફાઈનાન્સિયલ મિલિટરી કેપેબિલિટીમાં અનુભવ પ્રાપ્ત કરી શક્યાં અને એર કમાન્ડ ખાતે વિસ્તૃત પ્રોગ્રામ મેનેજમેન્ટ સપોર્ટ ફંક્શનના ઈન્ટ્રોડક્શનનું વડપણ કરી શક્યાં હતાં. તેમણે 2015થી સપ્લાય એન્ડ મૂવમેન્ટ્સ ટ્રેનિંગ વિંગનો કમાન્ડ સંભાળ્યો હતો અને તેઓ ભૌગોલિક રીતે વિસ્તરેલી 5 ટ્રેનિંગ સ્ક્વોડ્રન્સ ખાતે પ્રતિ વર્ષ આશરે 5,500 લોજિસ્ટિશિયન્સને તાલીમ પૂરી પાડવા માટે જવાબદાર હતાં. ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યાં પછી એર કમાન્ડ ખાતે તેમની નિયુક્તિ ડેપ્યુટી આસિસ્ટન્ટ ચીફ ઓફ સ્ટાફ ફોર વર્કફોર્સ રિક્વાયરમેન્ટ્સ તરીકે કરાઈ હતી. તેમણે ઓગસ્ટ 2019થી RAFવિટરિંગ અને A4 (લોજિસ્ટિક્સ એન્ડ એન્જિનીઅરીંગ) ફોર્સ એલિમેન્ટ્સનો કમાન્ડ સંભાળ્યો છે તેમજ સપોર્ટ ફોર્સની સ્થાપનાથી તેના ડેપ્યુટી કમાન્ડર તરીકે વધારાની જવાબદારી સંભાળી છે. જુલાઈ 2021માં એર કોમોડોરના પ્રમોશન તરીકે તેમની પસંદગી કરાઈ હતી અને આસિસ્ટન્ટ ચીફ ઓફ સ્ટાફ ફોર વર્કફોર્સ રિક્વાયરમેન્ટ્સ એન્ડ રિક્રુટમેન્ટ સાથે જોડાયાં હતાં.
એર કોમોડોર જો લિંકનના લગ્ન પૌલ સાથે થયાં છે. તેમના ફુરસદના સમયમાં તેઓ બંને ટ્રાવેલિંગ અને ગોદીઓ પર ચાલવા તેમજ તેમના સરહદી કોલી બ્રીડના શ્વાન કાઈ સાથે દોડવાની મોજ માણે છે.

