અમદાવાદઃ અમદાવાદમાં વર્લ્ડકપની મેચ રમવા આવેલા અફઘાનિસ્તાનની ટીમના ક્રિકેટર રહેમાનુલ્લા ગુરબાઝે ખરા અર્થમાં સાર્થક દીપાવલી ઊજવી છે. હાલ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ફરતો થયો છે, જેમાં તે ફૂટપાથ પર સૂતેલા લોકો પાસે રૂ. 500ની બે નોટ ચૂપચાપ મૂકી રહ્યો છે. અફઘાનિસ્તાનના વિકેટકીપર-બેટ્સમેન ગુરબાઝે અમદાવાદના ફૂટપાથ પર સૂતેલા લોકોને રાત્રે પૈસા આપ્યા હતા. ગુરબાઝ શહેરના એક વિસ્તારમાં રાત્રે 3 વાગ્યે કારમાંથી ઊતર્યો હતો અને જ્યાં સૂતેલા લોકો પાસે ચૂપચાપ નોટો મૂકી દીધી હતી. સ્થાનિક લોકો દ્વારા લેવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રહેમાનુલ્લા ગુરબાઝ આઇપીએલમાં ગુજરાતની ટીમ તરફથી રમી ચૂક્યો છે, જેથી ગુજરાત સાથે તેનો સંબંધ પણ જોડાયેલો છે.

