ઉત્તર કાશીમાં નિર્માણાધીન ટનલ ધરાશાયીઃ 41 શ્રમિક ફસાયા

Monday 20th November 2023 08:15 EST
 
 

દહેરાદૂનઃ ગત રવિવારે 12 નવેમ્બરે સવારે 5:30 વાગ્યે ઉત્તરાખંડમાં યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારાથી ડંડલગામને જોડતી નિર્માણાધીન ટનલ ધરાશાયી થઈ ગઈ, જેમાં 41 શ્રમિકો ફસાઈ ગયા. આ કામદારોને ખોરાક, પાણી અને ઓક્સિજન મોકલવામાં આવી રહ્યા છે. દિવસો સુધી રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હોવા છતાં, તેમને બહાર કાઢી શકાયા નથી. જો કે દુર્ઘટનાના દસમા દિવસે મંગળવારે સવારથી જ હોરિઝોન્ટલ ડ્રીલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને માનવામાં આવે છે કે આવનારા બે દિવસમાં જ આ તમામ 41 શ્રમિકોને બહાર કાઢી લેવામાં આવશે.
આ 41 શ્રમિકોને બચાવવા ઉચ્ચ ક્ષમતાનું અમેરિકન ઓગર મશીન પણ લાવવામાં આવ્યું, પરંતુ તે પણ કારગત નીવડી શક્યું નથી. આ દુર્ઘટના બાદ સૌપ્રથમ ઉત્તરકાશી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગી હતી. રેસ્ક્યૂ ટીમ સમક્ષ પ્રથમ પડકાર સુરંગમાં ફસાયેલા કામદારોને જીવતા રાખવાનો હતો, જેને ધ્યાને રાખી નેશનલ હાઇવે ડેવલપમેન્ટ કોર્પોરેશનના એન્જિનિયર્સ કામદારોને ઓક્સિજન આપવામાં કામે લાગ્યા હતા.
રવિવારે રાત્રે ટનલની અંદરથી પાણી કાઢવા માટે પાઇપ નાખવામાં આવી હતી. આ પાઇપથી કોમ્પ્રેસર દ્વારા ઓક્સિજન, દવા, ખોરાક, પાણી અને દવા અંદર મોકલવામાં આવ્યાં. આ પાઇપ દ્વારા વોકી ટોકી સિગ્નલ પણ મોકલવામાં આવ્યાં હતાં, જેથી ફસાયેલા કામદારો સાથે વાત કરી શકાઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી અને કેન્દ્રીય એજન્સીઓને બચાવકાર્યમાં જોડાવાનો આદેશ આપ્યો. સાંજ સુધીમાં એનડીઆરએફ, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની ટીમો પણ બચાવકાર્યમાં જોડાઈ ગઈ હતી.
દુર્ઘટનાના નવમા દિવસે સતલુજ જળવિદ્યુત નિગમ લિમિટેડ દ્વારા વર્ટિકલ ડ્રીલિંગ મશીન બચાવકાર્ય માટે મોકલવામાં આવ્યાં હતાં. જો કે આ મશીન લઈને આવી રહેલી ટ્રક ઋષિકેશની ખીણમાં પડી ગઈ હતી, જેમાં તેના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
7 દિવસમાં બચાવ માટે 4 મશીન આવ્યાં પણ...
ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ દુર્ઘટના બાદ છેલ્લા 7 દિવસમાં બચાવ માટે આવેલાં 4 મશીન અને 3 પ્લાન નિષ્ફળ ગયા છે. નવી વ્યૂહરચના હેઠળ એનડીઆરએફ, એસડીઆરએફ, પીડબલ્યૂડી અને આઇટીબીપી સહિતની આઠ એજન્સી દ્વારા એકસાથે 5 તરફથી ટનલમાં ડ્રીલ કરવાનું શરૂ કર્યું હતું.
ઉત્તરાખંડ સરકારે 3 અધિકારીને તહેનાત કર્યા
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના બાદ અંદર ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. મંગળવારે ટનલની અંદરથી કામદારોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બધા સુરક્ષિત જણાય છે. આ દરમિયાન ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે અને બચાવ કામગીરી માટે 3 અધિકારીઓને તહેનાત કર્યા છે.


comments powered by Disqus