ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓને અપાયો આખરી ઓપ

Wednesday 22nd November 2023 08:04 EST
 
 

જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ સૌપ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરિક્રમા કરે છે એ સાત જનમનું પુણ્યનું ભાથું બાંધી લે છે.
આ વર્ષે મોસમ સારી હોવા ઉપરાંત કુદરત પણ મહેરબાન હોઈ દેશ-વિદેશના 15 લાખ યાત્રિકો કુદરતને માણવા આવે તેવી સંભાવના છે. જેને ધ્યાને રાખી સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પરિક્રમા દરમિયાન 200થી વધુ અન્નક્ષેત્ર, 150 સેવા સંસ્થા, 25થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકના સંકટને જોતાં એમડી ડોક્ટર પણ તહેનાત રખાશે. પીવાનાં પાણીના 15 પોઇન્ટ, લાઇટ અને લોકોની સુરક્ષાને લઈ 500 થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તહેનાત રહેશે. તો મુસાફરોના પરિવહન માટે એસટી, રેલવે તેમજ ટ્રાફિક નિયમનની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ લીલી પરિક્રમા 23 નવેમ્બરે કાર્તિક એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી ચાલશે.


comments powered by Disqus