નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં છુપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓ અને તેમના સહયોગીઓને કોઈ અજ્ઞાત બળ નિશાન બનાવી રહ્યું છે. બે-ત્રણ સપ્તાહના અંતરાલે જૈશ-એ-મોહંમદ, ડી કંપની, લશ્કર-એ-તોઇબા, લશ્કર-એ-જબ્બર. લશ્કર-એ-જાંગવી જેવાં આતંકી સંગઠનના સભ્યોને અજાણ્યા હુમલાખોરની હત્યાના અહેવાલ આવતા રહે છે. તેવામાં વિશ્વસનીય સૂત્રીનું કહેવું છે કે, ભારતના ટોપ મોસ્ટ આતંકીઓનો નંબર પણ આવી શકે છે. જો કે પાકિસ્તાની આઇએસઆઇ એજન્સીએ તેવા ટોપ મોસ્ટ વોન્ટેડ આતંકીઓને મજબૂત સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડેલી છે. તેમને બુલેટપ્રૂફ કાર્સ આપેલી છે, સાથે જ ઠેકાણામાંથી બહાર ન નીકળવા તાકીદ પણ કરી દીધી છે. પાકિસ્તાનમાં આવી ઘટનાઓ બન્યા પછી હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન, જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહર અને લશ્કર-એ-તોઇબાનો વડો ફિઝ સૈયદ ડરેલા છે. આ દરમિયાન રવિવારે પીઓકેમાંથી આતંકવાદી ખ્વાજા શાહિદ ઉર્ફે મિયાં મુજાહિદનો મૃતદેહ મળી આવ્યા પછી આ ડર વધી ગયો છે.
વિતેલા દિવસોમાં પઠાણકોટ હુમલાનો માસ્ટર માઇન્ડ શાહિદ લતીફ, આઇએસઆઇ એજન્ટ મુલ્લા બાહીર, દાઉદ મલિક, બશીર મોહંમદ પીર, હાફિઝ સઇદનો નજીકનો આતંકી અબુ કાસિમ, પરમજિતસિંહ પંજવાડ, બશીર મીર, જહુર મિસ્ત્રી અને રદીપસિંહ નિઝ્ઝરની હત્યા થઈ ચૂકી છે.
તો હાલમાં જ પાક.ના ખૈબરપખ્તુનખ્વાંના બાજોરમાં અજાણ્યા હુમલાખોરોએ લશ્કર-એ-તોઇબાના કમાન્ડર અક્રમ ગાઝીની ગોળી મારીને હત્યા કરી હતી. હત્યા સમયે અક્રમ એક મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યો હતો.

