પ્રધાનમંત્રી મોદીએ વર્લ્ડકપ ફાઈનલ જોયા બાદ રાતવાસો રાજભવનમાં કર્યો

Wednesday 22nd November 2023 07:49 EST
 
 

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં બેઠક ક્ષમતાની દૃષ્ટિએ સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રિચર્ડ માર્લ્સનાં સાંનિધ્યમાં વર્લ્ડકપની યાદગાર ફાઇનલ મેચનો નજારો માણ્યો હતો. મોદી અને માર્લ્સએ હેરિટેજ સિટી અમદાવાદમાં પગ તો સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં મૂક્યો હતો, પણ બંનેએ મેચના આખરી તબક્કામાં સ્ટેડિયમમાં આવવાનું પસંદ કર્યું હતું. જો કે આ બંને મહાનુભાવોએ લગભગ સાડા આઠ વાગ્યે સ્ટેડિયમમાં દેખા દીધી ત્યારે ભારતીય ટીમ હારી રહી હતી. અંતે 4 વિકેટે ઓસ્ટ્રેલિયાએ જીતનું લક્ષ્ય પાર પાડ્યું હતું.
મોદીએ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ પછી લગભગ ત્રણ કલાક સુધી રાજભવનમાં રહેવાનું પસંદ કર્યું હતું, જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્ટેડિયમમાં વહેલા આવી શક્યા ન હતા.
ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રાજધાની કેનબેરાથી સીધા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા, એ જ રીતે પરત ચાલ્યા ગયા હતા. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ રાતવાસો રાજભવનમાં ગાળી સવારે ગુજરાત છોડવાનું પસંદ કર્યું હતું.
મોદી જ્યારે સવા પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપર ઊતર્યા, ત્યારે પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રી, ગવર્નર આચાર્ય દેવવ્રત, મુખ્ય સચિવ રાજકુમારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. એ જ રીતે ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમના આગમન અને પ્રસ્થાન વખતે પ્રોટોકોલ મુજબ એમનું સન્માન કરાયું હતું. પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ સહિતના નેતાઓ સાથે સ્ટેડિયમમાં બેઠક યોજી હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus