બેચરાજી મંદિરની ગુલાબી પથ્થરથી થશે કાયાકલ્પઃ રૂ. 5.50 અબજ ખર્ચની ધારણા

Monday 20th November 2023 07:58 EST
 
 

મહેસાણાઃ સુપ્રસિદ્ધ બેચરાજી મંદિર માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે, જે મુજબ અંબાજીની જેમ હવે બેચરાજીનો વિકાસ કરવા માટે બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત કરાઈ છે. મળતી માહિતી મુજબ મહેસાણા પાસે આવેલા બેચરાજી મંદિરના કાયાકલ્પ માટેનો મહત્ત્વપૂર્ણ પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ગુજરાતની જાણીતી શક્તિપીઠની ભવ્યતામાં અનેકગણો વધારો થશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલે કહ્યું, મહેસાણા જિલ્લામાં માત્ર શક્તિપીઠ બેચરાજી જ નહીં, એની આસપાસના વિસ્તારોનો પણ વિકાસ થાય એ દિશામાં સરકારે મોટો નિર્ણય લીધો છે. યાત્રાધામના વિકાસની સાથે માત્ર ધાર્મિક ધરોહર જ મજબૂત બનશે એવું નથી, પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ આ વિસ્તારનો વિકાસ થાય એ દિશામાં સરકાર પ્રયત્નશીલ છે. આ અંગે બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બાબતે સરકારે નોટિફિકેશન ઇશ્યૂ કર્યું છે, જેમાં બેચરાજીના વિસ્તાર ઉપરાંત આસપાસના લગભગ 825 હેક્ટર વિસ્તારના વિકાસ માટે પ્લાનિંગ થશે.
આર.આર.રાવલે એક મહત્ત્વની વાત જણાવી કે બેચરાજીના વિકાસ માટે ત્રણ તબક્કાનું સૂચિત આયોજન છે. પ્રથમ તબક્કામાં મંદિર અને પરિસરનો વિકાસ થશે, જેના માટે ટેન્ડર અપલોડ થયું છે અને રૂ. 70 કરોડની ફાળવણી પણ કરાઈ છે. હાલમાં મંદિરના પાયાથી શિખરની ઊંચાઈ 49 ફૂટ છે, જેને વધારી 86.1 ફૂટ સુધી વધારી શિખરબદ્ધ મંદિર નવું બનશે. સાથે-સાથે મંદિર પરિસરનો વિકાસ પણ થશે, એટલે હાઇવે પરના મુખ્ય રસ્તાથી શ્રદ્ધાળુઓને સીધો જ મંદિરમાં પ્રવેશ મળે એ પ્રકારનું આયોજન છે.
બેચરાજી માટે સરકારી ધારાધોરણ પ્રમાણે ટેન્ડર આપીને કામગીરી કરાશે. હજુ એ ટેન્ડર સ્ટેજ પર છે, પરંતુ જે વિગતો મળી છે એ પ્રમાણે બંસી પહાડપુર નામના રેડ સ્ટોન એટલે કે અંબાજી મંદિર જેવો જ ગુલાબી પથ્થર બેચરાજી મંદિરમાં ઉપયોગમાં લેવાશે.


comments powered by Disqus