પાટણઃ ગુજરાતમાં 42 લેઉવા પાટીદાર સમાજે સમાજમાં સુધારો લાવવા બિનજરૂરી ખર્ચાળ પ્રથા બંધ કરાવવા માટે પહેલ કરી છે. ગુજરાતમાં આવું પહેલીવાર નથી થયું કે કોઈ સમાજે આવી પહેલ કરી હોય. આ પહેલાં ઠાકોર સમાજ, કડવા પાટીદાર સમાજ, ચૌધરી સમાજ સહિતના અનેક સમાજે પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ, બિનજરૂરી પ્રથાને તીલાંજલિ આપી છે. હવે આમાં 42 લેઉવા પાટીદાર સમાજનું નામ પણ ઉમેરાયું છે.
બિનજરૂરી ખર્ચાળ પ્રથા બંધ કરાવવા બહેનોની પહેલ
42 લેઉવા પાટીદાર સમાજની બહેનોએ બિનજરૂરી ખર્ચાળ પ્રથા બંધ કરાવવા માટેની પહેલ કરી છે. 42 લેઉવા પાટીદાર સમાજની બહેનોએ લગ્નપ્રસંગમાં થતા ખોટા ખર્ચા અટકાવવાનો નિર્ણય લીધો છે. જે મુજબ પ્રિવેડિંગ શૂટ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ પ્રથા બંધ કરાશે. આ ચળવળમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યની મહિલાઓ પણ જોડાઈ છે. 28 મેએ પાટણમાં સભા યોજી સમાજસુધારા ચળવળ અંગે અંદાજે 3 હજાર બહેનો શપથ લેશે. 65 વર્ષ પછી 42 લેઉવા પાટીદાર સમાજની બહેનો નવું બંધારણ તૈયાર કરશે.
42 લેઉવા પાટીદાર સમાજના બંધારણમાં શું સુધારા કરાયા?
42 લેઉવા પાટીદાર સમાજમાં બિનજરૂરી ખર્ચા ઓછા કરવા અને આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા લોકોને ધ્યાન લઈ સમાજના બંધારણમાં સુધારા કરાયા છે. જે મુજબ લગ્નપ્રસંગે જાનને એક જ રાત રોકવી, જાનને 2 ટંક જમાડી વિદાય આપવી, મામેરામાં રૂ. 1થી 1051 સુધીની રકમ અને દાગીના મૂકવા, જાનમાં બેન્ડવાજાં સદંતર બંધ કરવાં, લગ્નપ્રસંગે કન્યાઓના વરઘોડા બંધ કરવા, લગ્નપ્રસંગે ફટાણાના બદલે માત્ર શાસ્ત્રીય ગાણાં ગાવાંનો પ્રતિબંધ કરાયો છે. તો મરણ પાછળ અગિયારમું, બારમું અને તેરમું બંધ કરી માત્ર એક જ દિવસે લોકાચારે જવું, મૃતકની પાછળ સજા ભરવાનું સદંતર બંધ કરવું, મરણપ્રસંગે વાળ છૂટા કરી છાજિયા લેવાનું સદંતર બંધ કરવાના નિર્ણય લેવાયા છે.

