અમદાવાદઃ ગુજરાતના યુવાનોને અલકાયદામાં જોડવા તેમજ ગુજરાતમાંથી પૈસા વિદેશ મોકલવા માટે બાંગ્લાદેશથી ચાર આતંકવાદીને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એકની એટીએસએ નારોલથી ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે અમદાવાદમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અલકાયદાની સંડોવણી હતી. ત્યારબાદ લગભગ 15 વર્ષ પછી આ સંગઠન ફરી વખત સક્રિય થયું છે.
બાંગ્લાદેશનો રહેવાસી મોહમંદ સોજીબમિયાં અહેમદઅલી બે વર્ષથી રખિયાલના સુખરામ એસ્ટેટમાં રહેતો હતો અને નારોલમાં કપડાંના કારખાનામાં નોકરી કરતો હતો. અહીં તે તેની સાથે કામ કરતા લોકોને અલકાયદામાં જોડાવવા માટે પ્રેરતો હતો. 2019-20માં સોજીબમિયાં બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસ્યો હતો, ત્યારબાદ તે પાછો જતો રહ્યો હતો અને 2021માં ફરી આવ્યો હતો. ત્યારથી તે પાછો ગયો નહોતો. મોહમદ સોજીબમિયાં ફકીરને ઇન્ચાર્જ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 30 મે સુધીના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.
અલકાયદાનું કટ્ટરવાદી સાહિત્ય જપ્ત
મોહંમદ સોજીબમિયાંના ઘરમાં પોલીસ સર્ચ કરતાં તેના નામનું નકલી આધાર કાર્ડ, પાનકાર્ડ તેમજ અલકાયદાની મીડિયા વિંગ એસ-સબાહ મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલાં કટ્ટરવાદી સાહિત્ય મળી આવ્યાં હતાં. આ આધાર અને પાનકાર્ડ સોજીબમિયાંએ ક્યાં કોની પાસે બનાવડાવ્યાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ હતી.
સોજીબમિયાંએ પોલીસને કહ્યું કે, તેણે આતંકવાદી તાલીમ માટે 2 યુવાનને તૈયાર કરી લીધા હતા. જો કે તે બંને યુવાનોને તાલીમ લેવા હજુ સુધી બાંગ્લાદેશ મોકલ્યા નહોતા. પોલીસે બંનેની પણ શોધખોળ શરૂ કરી છે.

