ગાંધીનગરઃ ગતવર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલાં ઓક્ટોબર માસમાં જ મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી. તે પછી ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દો સમાવીને કહ્યું હતું કે, જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો ત્વરિત તેના ૫૨ અમલ શરૂ થશે. જો કે હાલ ગુજરાત સરકારે આ મુદ્દાને અભરાઈ ૫૨ ચડાવી દીધો છે. આ તરફ ભાજપનાં સૂત્રો જણાવે છે કે આ મુદ્દે અગાઉ ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશની સરકારે સમાન નાગરિક ધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી. અલબત્ત હિમાચલમાં ભાજપ સરકારનું પુનરાવર્તન થયું નથી, ઉત્તરાખંડ કે ગુજરાત સરકારે તેના અમલીકરણ અંગે જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે.
હવે લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બની શકે છે
સમાન નાગરિક ધારાનો મુદ્દો હવે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાનું એક મહત્ત્વનું અંગ હોઈ શકે. ઉચ્ચ અધિકારી જણાવે છે કે, આ સમગ્ર બાબત રાજકીય પાંખ દ્વારા લેવાતા નિર્ણયને આધીન છે. હાલમાં તેને સંબંધિત કોઈપણ પ્રક્રિયા કરવા ચૂંટાયેલી પાંખે અમલદારીને સૂચના પણ આપી નથી.

