ભરૂચઃ વાગરામાં રહેતી આલિયા નાનપણથી અભ્યાસમાં તેજસ્વી હતી અને તેની ઇચ્છા તબીબ બનવાની હતી, પરંતુ પિતા પ્રજ્ઞાચક્ષુ હોવાથી આર્થિક સમસ્યા સામે આવી ઊભી હતી. જો કે 2022માં દૂધધારા ડેરીના મેદાનમાં યોજાયેલા એક કાર્યક્રમે તેનું જીવન બદલી નાખ્યું. ઉત્કર્ષ પહેલ યોજના હેઠળ લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. આલિયા તથા તેના પિતાને વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરવાની તક સાંપડી હતી. વડાપ્રધાને આલિયાનું 79 ટકા પરિણામ જાણ્યા બાદ કહ્યું હતું કે, અભ્યાસમાં તકલીફ પડે તો મને પત્ર લખજે. વડાપ્રધાનના આ વાક્યને યાદ કરી તેણે વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો. તે સમયે પિતા અસમર્થ હોવાથી આલિયાએ 13 ઓક્ટોબર 2022એ PMOમાં પત્ર લખી અભ્યાસ માટે આર્થિક સહાયની માગ કરી હતી. જાન્યુઆરી 2023માં વડાપ્રધાન કાર્યાલયમાંથી પત્ર સંદર્ભે ભરૂચ કલેક્ટર કચેરીમાં કાર્યવાહી ક૨વા જણાવવામાં આવ્યું હતું. 12 મે 2023ના રોજ ભરૂચ ક્લેક્ટરનો ડો. તુષાર સુમેરાનો ફોન આવ્યો અને આખા પરિવારને કલેક્ટર કચેરી ખાતે બોલાવવામાં આવ્યો અને કલેક્ટરના હસ્તે રૂ. 4 લાખનો ચેક આલિયાને અર્પણ કરાયો હતો.

