હિંમતનગરઃ બનાસકાંઠાનું વાડિયા ગામ દેહવ્યાપાર માટે બદનામ છે. અહીં રહેતી મોટાભાગની મહિલાઓ 60 વર્ષથી દેહવ્યાપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે હાલના સંજોગોમાં સમગ્ર ગામ આ બદીમાંથી બહાર આવવા માગે છે. તેમના આ માનસિક પરિવર્તનનું કારણ બન્યાં છે શારદાબહેન ભાટી, જેઓ સતત 20 વર્ષથી વાડિયામાં જાગૃતિ લાવવાનું ભગિરથ કાર્ય કરી રહ્યાં છે. એટલું જ નહીં દેહવ્યાપારથી જન્મેલાં 67 બાળકો કે જેમના પિતા કોણ છે તેનો કોઈને ખ્યાલ પણ નથી તેમને પોતાનું નામ પણ આપ્યું છે. ત્યાં સુધી કે આ બાળકો માટે જરૂરી જાતિનો દાખલો, આધારકાર્ડ, શિષ્યવૃત્તિ
અને શાળામાં પ્રવેશ માટે મહત્ત્વના સરકારી ડોક્યુમેન્ટ બનાવવા શારદાબહેન એફિડેવિટ પણ કરી રહ્યાં છે.
વાડિયા ગામમાં આમ તો અનેક એનજીઓ આવે છે, પરંતુ માત્ર ફોટો પાડીને જતી રહે છે. કોઈ આમની વચ્ચે રહીને તેમના ઉદ્ધાર માટે કોઈ કાર્ય કરતી નથી. સારા-નરસા પ્રસંગે એકમાત્ર શારદાબહેન ભાટી જ ઊભાં રહે છે.
ગામમાં કોઈ બાળક જન્મે ત્યારે તેની માતા પિતાનું જે નામ યાદ આવે તે નામ લખાવી દેતી હોય છે, જેથી બાળકને શાળાએ મૂકવા સમયે, સરકારી યોજનાનો લાભ અથવા સરકારી દસ્તાવેજ તૈયાર કરાવવા સમયે પિતાના કોઈ ડોક્યુમેન્ટ મળી શકતા નહોતા અને બાળકની ઓળખ ઊભી થઈ શકતી નહોતી. આવા પિતા વિનાનાં 67 બાળકોનાં તેમણે પોતાનું નામ પિતા તરીકે મૂકી એફિડેવિટ કરાવ્યાં છેે. શારદાબહેન પાસે 6થી 14 વર્ષ સુધીનાં એવાં 22 બાળક હજુ છે, જેમાંથી બે બાળકના જન્મના દાખલા જ નથી.

