પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા 100 વર્ષ જૂનું ભાડુતી મકાન મૂળ માલિકને સોંપશે

Wednesday 24th May 2023 06:39 EDT
 
 

માંડવીઃ પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા માંડવીમાં 100 વર્ષ જૂનું ભાડુતી મકાન મૂળ માલિકને સુપરત કરશે અને તેમના પિતા જ્યાં બેસી વકીલાતનું કામ કરતા હતા તે ઓફિસ દાઉદી વહોરા સમાજને પરત કરશે.
મહેતા આ ઓફિસના 100 વર્ષ જૂના ભાડુઆત હતા, જે ઓફિસની ચાવી દાઉદી વહોરા સમાજને પરત કરશે અને સમાજના ફંડમાં દાન પણ આપશે. મહેતાના પિતા 1923થી એડ્વોકેટ તરીકે પોતાની ભાડુઆત તરીકેની ઓફિસ દાઉદી વહોરા સમાજની સુપર માર્કેટમાં ધરાવતા હતા. સુરેશ મહેતા આ જ જૂની ઓફિસમાં કાયદાના અભ્યાસ માટે વાંચન કરી વકીલ બન્યા હતા. ત્યારબાદ તેમણે જામનગરમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી. જો કે રાજકારણમાં વધુ ૨સ હોઈ તેમણે ન્યાયાધીશ તરીકે રાજીનામું આપી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સુરેશ મહેતાએ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં તેઓ માદરે વતન માંડવી આવશે અને આ કામ પૂરું કરશે.
કાયદાનાં પુસ્તકો બાર એસોસિયેશનને આપ્યાં
સુરેશ મહેતાએ પોતાના પિતા રૂપશંકર મહેતાના સમયના અને પોતાના વકીલ તરીકે કાર્યકાળનાં કાયદાકીય પુસ્તકો, કેસ રેફરન્સ સહિતનાં મોંઘાં પુસ્તકો ટેમ્પોમાં ભરીને બાર એસોસિયેશનની લાઇબ્રેરીને અર્પણ કર્યાં છે.


comments powered by Disqus