ગાંધીનગરઃ માધવસિંહ સોલંકીની સરકારમાં શિક્ષણમંત્રી રહી ચૂકેલા હસમુખ પટેલનું બીમારીના કારણે અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેઓ હૃદય અને ફેફસાં સંબંધિત બીમારીથી પીડાતા હતા. તેમના પરિવારે દિવંગતની ઇચ્છા મુજબ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં તેમનું દેહદાન કર્યું હતું. હસમુખ પટેલ શિક્ષણ ઉપરાંત રમતગમત અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યકક્ષાના મંત્રી પણ હતા. તેઓ સાતમી વિધાનસભામાં શાસકપક્ષ કોંગ્રેસના દંડક પણ રહી ચૂક્યા છે. રાજકારણ ઉપરાંત શિક્ષણક્ષેત્રમાં તેઓ ખૂબ સન્માન ધરાવતા હતા. તેમના અભ્યાસ પત્રો ખૂબ મહત્ત્વના રહ્યા છે.

