ભુજઃ કચ્છના બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કચ્છ લડાયક મંચના આરોપી રમેશ જોષીને એલસીબી મુંબઈથી પકડી ભુજ લઈ આવી છે. જેને ગુરુવારે અદાલતમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ હનીટ્રેપમાં ફસાવી રૂ. 10 કરોડની ખંડણી માગ્યાની ફરિયાદ નોંધાઈ હતી. હનીટ્રેપ પ્રકરણમાં કુલ આઠ આરોપી સામે ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ પાંચ આરોપીની અટકાયત કરી છે. જ્યારે આરોપી શંભુ જોષી, હરેશ કાંઠેચા અને મનીષ મહેતા હજી સુધી પોલીસ પકડમાં આવ્યા નથી.
ગાંધીધામના ફાઇનાન્સર અનંત તન્નાએ સાત માસ પૂર્વે આઠ આરોપીઓ વિરુદ્ધ હનીટ્રેપમાં ફસાવી રૂ. 10 કરોડની ખંડણી માગવાની ફરિયાદ નોંધાવતાં સમગ્ર જિલ્લામાં ચકચાર પ્રસરી જવા પામી હતી. એલસીબીએ આ કેસમાં ભુજના વિનય રેલોન ઉર્ફે લાલો સહિતના આરોપીની ધરપકડ કરી હતી.

