નવી દિલ્હીઃ ભારતની સ્વદેશી નિર્મિત પ્રીમિયમ ટ્રેન વંદે ભારત ટ્રેનોનું સંચાલન શરૂ થઇ ગયું છે અને આવનારા દિવસોમાં કેટલાક અન્ય રાજ્યોમાં પણ વંદે ભારત ટ્રેનો દોડતી જોવા મળશે. 2025ના અંત સુધીમાં દેશમાં 278 વંદે ભારત ટ્રેનો તૈયાર થઇ જશે. જ્યારે 2020 સુધીમાં તમામ 478 વંદે ભારત ટ્રેનોને પાટા પર ઉતારી દેવાની યોજના છે. હાલ 78 વંદે ભારત ટ્રેનોનું રેલવેની ચેન્નઇ સ્થિત આઇસીએફ અને પ્રાઇવેટ કંપની મેઘા મળીને નિર્માણ કરી રહી છે. તે સિવાય 400 વંદે ભારત ટ્રેનો બીજી પણ બનશે. આ ટ્રેનોનું નિર્માણ ખાનગી કંપનીઓ કરશે. રેલવે મંત્રાલય આ મહિને 200 નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડશે. અહેવાલો અનુસાર આ મહિનાના અંત સુધીમાં 200 વંદે ભારત ટ્રેનો માટે ટેન્ડર પ્રક્રિયા ફાઇનલ થઇ જશે. તેમાં કઇ કંપની આ ટ્રેનોનું નિર્માણ કરશે તે નક્કી થઇ જશે. તેમાં બે અલગ અલગ કંપનીઓ ટ્રેન સેટ બનાવશે. ટેન્ડર પ્રક્રિયામાં જે કંપની સૌથી ઓછી બોલી લગાવશે તેને 120 ટ્રેનના નિર્માણનો ઓર્ડર મળશે. જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં બીજા નંબરે રહેલી કંપનીને 80 વંદે ભારત ટ્રેનના નિર્માણનું કામ સોંપાશે.

