અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલા વધુ બે એજન્ટ યોગેશ પટેલ અને ભાવેશે પટેલની ધરપકડ બાદ અમેરિકામાં ઘૂસવા માટે નવી જ મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. કેનેડા બોર્ડરથી અમેરિકામાં ઘૂસવા માટે એજન્ટો જે રીત અપનાવી રહ્યા છે એને જોઈને ફોરેનની પોલીસ પણ ચોંકી ગઈ છે.
મોટા ભાગના લોકોને કેનેડા નહીં, અમેરિકા જવું હોય છે. કેનેડા જવાના 30થી 40 લાખ, જ્યારે યુએસએ જવાના 65 લાખ રૂપિયા ભાવ ચાલે છે. એક વખત કેનેડા એરપોર્ટની બહાર નીકળ્યા પછી વ્યક્તિના મોબાઇલ રિચાર્જથી લઈને જમવા-રહેવા સુધીનો તમામ ખર્ચ એજન્ટ જ ઉઠાવે છે. કેનેડામાં ટેક્સ અમેરિકા કરતાં ઘણો વધારે છે. મોટાભાગે અમેરિકા જવાનું એક કારણ એ પણ છે. આ પ્રકારની કબૂતરબાજીમાં સંકળાયેલી આખી સિન્ડિકેટનું સુવ્યવસ્થિત નેટવર્ક ચાલે છે. જે 13 સ્ટેપ ફોલો કરે છે.
સ્ટેપ-1: સૌ પહેલા ગેરેન્ટર નક્કી થાય છે
અમેરિકા કે કેનેડા કોને જવું છે એ નક્કી થયા બાદ ભાવ નક્કી થાય છે. અમેરિકા જવાનો એક વ્યક્તિનો ભાવ 65 લાખ રૂપિયા છે, જ્યારે કેનેડા જવાનો ભાવ 35 લાખ રૂપિયા છે. જેના રૂપિયા આપવા માટે ગેરન્ટર નક્કી થાય છે, જે વ્યક્તિના ગંતવ્ય સ્થળે પહોંચ્યા બાદ નાણાં ચૂકવે છે.
સ્ટેપ-2: ફેક ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા
વિદેશ જવા માગતી વ્યક્તિના અવેલેબલ હોય એટલા ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવે છે. બાકીના ખૂટતા ડોક્યુમેન્ટ્સ જેવા કે 10-12ની માર્કશીટ, વિદેશ જવા માટે અપાતી પરીક્ષાનાં સર્ટિફિકેટ વગેરે બનાવીને વિઝા મેળવવામાં આવે છે. આવા ડોક્યુમેન્ટ્સ બનાવનારી પણ એક આખી ટોળકી સક્રિય છે.
સ્ટેપ-3: IELTSના બેન્ડનું સેટિંગ
વિદેશ જવા અપાતી પરીક્ષાના પણ સેન્ટર નક્કી કરેલાં હોય છે. આવાં સેન્ટરોની ગોલમાલ થોડા મહિના પહેલાં સુરતથી બહાર આવી હતી, જેની તપાસ મહેસાણા SOGએ કરી હતી. આવા સેન્ટરમાં જેને વિદેશ જવાનું હોય એ તથા અન્ય ફેક સ્ટુડન્ટ બેસી જાય છે. વિદેશ જનારી વ્યક્તિને બદલે ફેક સ્ટુડન્ટ પરીક્ષા આપે છે.
સ્ટેપ-4: કેનેડાની અમુક કોલેજોની પણ સંડોવણી
એજ્યુકેશન માફિયા એક્ઝામ સર્ટિફિકેટ બનાવવાનું, ફેલ થયેલા લોકોને પાસ કરાવવાનું, સારા બેન્ડ બનાવવાના, આખી પ્રોફાઇલ બનાવવાની અને સામે સેટિંગવાળી કોલેજોમાં એડમિશન કરાવવાનું કામ કરે છે. એ બધા દસ્તાવેજો તૈયાર થઈ ગયા બાદ એને આધારે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવામાં આવે છે.
સ્ટેપ-5: વિઝા આવી ગયા પછી
વિઝા આવી ગયા પછી પણ પાસપોર્ટ સહિત કોઈપણ ડોક્યુમેન્ટ વિદેશ જનારને આપવામાં આવતા નથી. બધું જ રેડી થાય એટલે એટલું જ કહેવામાં આવે કે જે-તે તારીખે જે-તે એરપોર્ટ પર તૈયારી સાથે પહોંચી જવાનું છે. એરપોર્ટ પર ત્રીજી જ વ્યક્તિ આવીને કવર આપી જાય, જેમાં માત્ર પાસપોર્ટ સહિતની વસ્તુઓ હોય છે, અન્ય ડોક્યુમેન્ટ અપાતા નથી.
સ્ટેપ-6: કેનેડા પહોંચ્યા પછી
કેનેડા પહોંચેલા સ્ટુડન્ટને કોઈ જ પ્રકારનું નૉલેજ હોતું નથી. એરપોર્ટ પર એજન્ટોનો માણસ લેવા આવે છે. ત્યાંથી તેમને નજીકની હોટેલમાં લઈ જાય અથવા જે સેન્ટર એટલે કે શેલ્ટર હોમ નક્કી કરેલું હોય ત્યાં લઈ જાય. જેમને કેનેડા રહેવાનું છે તેમની વ્યવસ્થા કરીને ત્યાં જ છોડી મૂકવામાં આવે છે, પરંતુ જેને અમેરિકા જવું છે તેમણે અલગ મકાનમાં કે શેલ્ટરમાં રાખવામાં આવે છે.
સ્ટેપ-7: શેલ્ટરની બહાર કાઢવામાં આવતા નથી
કોઈપણ કામ હોય તો પણ તેમને શેલ્ટરની બહાર કાઢવામાં આવતા નથી. તેમનું લોકેશન સગાંને પણ ખબર ન પડે એ માટે તમામના મોબાઇલ લઈ લેવાય છે. જો ઘરે વાત કરવી હોય તો એક VPN વાળા ફેક નંબર પરથી ઘરે વાત કરાવવામાં આવે છે, જેથી વ્યક્તિનું લોકેશન મળી ન શકે.
સ્ટેપ-8: બોર્ડર ક્રોસ કરવા માટે પણ 3થી 6 મહિનાનું વેઇટિંગ
ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવા માટે પણ 3થી 6 મહિનાનું વેઇટિંગ ચાલતું હોય છે. જેમને ઝડપથી જવું હોય એ માટે એજન્ટો અલગ વ્યવસ્થા કરી રાખે છે. સર્વેલન્સ ટ્રેક ન કરી શકે એવી બોર્ડર પરની જગ્યાઓ એજન્ટો શોધી રાખે છે, જ્યાંથી ઝડપથી જવા માગતા લોકોને ઘુસાડે છે, જે વધુ મુશ્કેલ અને દુર્ગમ જગ્યા હોય છે. ડિંગુચાના જગદીશભાઈ પટેલને જલદી જવું હતું.
સ્ટેપ-9: ફેમિલી ફરવા જવા જતું હોવાનો દેખાવ કરાય છે
જે વ્યક્તિ શેલ્ટર આપે છે તે ગાડી દ્વારા બોર્ડર સુધી લઈ જાય છે. રસ્તામાં ચેકિંગ આવે તો પોલીસથી બચવા માટે ફરવા જતા હોય એવું લાગે એ માટે ગાડીમાં ફેમિલી બેઠું હોય અને ક્યાંક જતા હોય એવો દેખાવ ઊભો કરવામાં આવે છે.
સ્ટેપ-10: US - કેનેડાની બોર્ડર પર પહોંચ્યા બાદ
બોર્ડર ક્રોસ કરતી વખતે 10થી 12 કે વધુમાં વધુ 15 લોકોનું ગ્રૂપ બનાવાય છે. મોટાભાગના લોકો ત્યારે જ મળ્યા હોય છે, જેથી એકબીજાને ઓળખતા પણ નથી હોતા. તેમને કેનેડાની બોર્ડર સુધી એક વ્યક્તિ લઈ જાય છે. ત્યાં બધાને અમેરિકાની બોર્ડરમાં આવેલું કોઈ લોકેશન બતાવી દેવામાં આવે છે અને એ જ દિશામાં ચાલવાની સૂચના આપવામાં આવે છે.
સ્ટેપ-11: અમેરિકામાં પણ એક વ્યક્તિ રાહ જુએ છે
12 લોકોનું ગ્રૂપ US - કેનેડા બોર્ડરની સર્વેલન્સ સિસ્ટમથી બચીને અમેરિકાની હદમાં પહોંચી જાય છે, જ્યાં નક્કી કરેલા સ્થળે અગાઉથી જ એક 15 સીટર કાર સાથે ડ્રાઇવર રાહ જોતો ઊભો હોય છે. એ ડ્રાઇવર તમામ લોકોને પિકઅપ કરીને નક્કી કરેલા સ્થળે ડ્રોપ કરી દે છે. ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસનારા લોકો પોતાની રીતે નીકળી જાય છે.
સ્ટેપ-12: લેવા આવનારો ડ્રાઇવર કોણ હોય છે?
કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ ફરી VPNનો જ ઉપયોગ કરી ટેક્સી વગેરે બુક કરાવે છે, જેમાં પિકઅપ અને ડ્રોપ સ્થળ અગાઉથી જ નક્કી કરેલાં હોય છે. બોર્ડર માફિયા એમાં વેઇટિંગ ચાર્જ ઉપરાંત વધુ નાણાં એડવાન્સમાં આપી દે છે. ટેકનિકલી ટેક્સી બુક થયેલી હોવાથી ડ્રાઇવર ક્યાંય ખોટો ઠરતો નથી, એટલે પોલીસ પણ ડ્રાઇવર વિરુદ્ધ વધુ કંઈ કરી શકતી નથી.
સ્ટેપ-13: પોલીસના હાથે પકડાઈ જાઓ તો શું?
એજન્ટો ત્યાંના તમામ કાયદા-કાનૂન પણ જાણતા હોય છે, જેથી અહીંથી કબૂતર બનીને જનારા તમામ લોકોને ત્યાંના કાયદાથી કેવી રીતે બચવું, શું કરવું - શું ન કરવું વગેરે સમજાવી દેતા હોય છે, જેમ કે પોલીસ પકડે તો તેમને પોતાના સાચા કે આખા નામના બદલે SD, AZ, KJ જેવાં ટૂંકાં નામ લખાવવાં. જેથી નામ અંગેની જાણકારી ન મળી રહે.
એકપણ રૂપિયો ખર્ચવાનો રહેતો નથી
ગુજરાતથી નીકળ્યા બાદ કેનેડા અને પછી અમેરિકા પહોંચો ત્યાં સુધી એકપણ રૂપિયો એ લોકોએ ખર્ચવાનો રહેતો નથી. મોબાઇલ રિચાર્જ પણ એજન્ટોના માણસો જ કરાવી આપે છે. આ આખી તપાસમાં કેનેડાની કોલેજોનાં પણ નામ ખૂલી શકે છે.
ભારતના કયા એરપોર્ટ ઉપયોગમાં લેવાય છે?
કેનેડા જવું હોય તો મોટાભાગે અમદાવાદથી જ ફ્લાઇટમાં બેસાડે છે. અમદાવાદથી મુંબઈ થઈ કેનેડા તથા અમદાવાદથી દિલ્હી થઈને કેનેડાની ફ્લાઇટ હોય છે. ત્રીજું અમદાવાદથી વાયા દુબઈ કેનેડા પણ મોકલવામાં આવે છે. મતલબ મોટાભાગે અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

