અમેરિકામાં કરમસદના પરિવાર પર ગોળીબારઃ પતિનું મોત, પત્ની અને દીકરી સારવાર હેઠળ

Wednesday 25th January 2023 06:04 EST
 
 

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના મેકોનમાં રહેતા મૂળ કરમસદના પરિવાર પર થયેલા ગોળીબારમાં પતિ પિનલભાઇ પટેલનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની રૂપલબેન પટેલ અને દીકરી ભક્તિને ગોળી વાગી હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પિનલભાઇ પટેલનાં વૃદ્ધ માતા નાદુરસ્ત તબિયતને કારણે સેલવાસમાં દીકરી સાથે રહે છે. સમાચાર મળતાં પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. ઘટના સમયે પિનલભાઇ પટેલનો દીકરો જોબ પર હતો.
મેકોનમાં થોરબ્રેડ લેનના 300 બ્લોકમાં અમેરિકાના સમય અનુસાર શુક્રવારની રાત્રે કરમસદના પરિવાર પર ગોળીબાર થયો હતો જેમાં 52 વર્ષીય પિનલભાઇ પટેલનું મોત નીપજ્યું હતું, જ્યારે 50 વર્ષીય રૂપલબેન પટેલ અને 17 વર્ષીય દીકરી ભક્તિને પણ ઇજા પહોંચી હોવાથી સારવાર માટે ખસેડાયાં હતાં.
કરમસદમાં પડોશી નિલેશ પંચાલે જણાવ્યું કે, દિવાળી સમયે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પિનલભાઇએ ફોન કર્યો હતો ત્યારે માતાને મળવા ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માતા સાથે રહેવા માટે ખાસ વર્ષ 2019માં ભારત આવ્યા હતા અને એક મહિનો માતા સાથે રહ્યા હતા. અમેરિકામાં રહેતા હોવા છતાં માતા સાથે વિશેષ આત્મીયતા હતી. વર્ષ 2019માં ભારત આવ્યા બાદ વર્ષ 2020માં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ભારત આવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે ભારત આવવાના હોવાનું જણાવ્યું હતું. પરંતુ એકાએક બનેલી આ ઘટનાથી બિમાર માતાને મળવાની પિનલભાઇ પટેલની ઇચ્છા અધૂરી રહી ગઇ. અમેરિકામાં પિનલભાઈ સ્ટોરનું સંચાલન કરતા હતા અને પરિવારમાં પત્ની રૂપલબેન, દીકરો પૂંજન અને દીકરી ભક્તિ છે.


comments powered by Disqus