અમદાવાદઃ ડિંગુચાના પરિવારનો કિસ્સો સામે આવ્યા બાદ આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. આરોપીઓને કેટલા લોકોને આ રીતે મોકલવામાં આવ્યા હોવાનું પૂછતાં સાચો આંકડો તેમની પાસેથી મળી શક્યો નથી. જો કે હજારો લોકોને તેમના દ્વારા આ રીતે મોકલવામાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ આખું નેટવર્ક વૈશ્વિક સ્તરે કામ કરતું હોવાનું જણાયું છે, જેમાં સ્થાનિક સ્તરે ઝડપાયેલા બે એજન્ટ સિવાય અન્ય એક મુખ્ય આરોપી ફેનીલનું નામ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત બનાવટી ડોક્યુમેન્ટ બનાવનારા, પરીક્ષાનાં નકલી સર્ટિફિકેટ બનાવનારા, ખોટા નામે પરીક્ષા આપનારા, વિદેશમાં લોકોને રિસીવ કરનારા અને પહોંચાડનારા તમામનું નેટવર્ક સામે આવી રહ્યું છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હાલમાં બે એજન્ટ યોગેશ પટેલ અને ભાવેશ પટેલ સિવાય ફેનીલ પટેલ, બોબી અને બિટ્ટુ પાજીનું નામ સામે આવ્યું છે. જેમાં ફેનિલ પટેલ વિદેશ જઈ નેટવર્ક ઊભું કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંતના સ્થાનિક આરોપીઓની ક્રાઇમબ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે.
કોણ છે યોગેશ પટેલ ?
યોગેશ ચુનીલાલ પટેલ દિવ્યા ઓવરસીઝ (હાઇ સ્કેન હાઉસ, મીઠાખળી, આશ્રમ રોડ)નો માલિક છે. તેની બીજી 4 કંપની છે. તે અમદાવાદના મેમનગરમાં રહે છે. તેને એજ્યુકેશન માફિયા વર્લ્ડની વ્હેલ માછલી કહી શકાય. કોઈપણ પરીક્ષા કરાવવી હોય તો તે કરી આપે છે. એ આખું પેકેજ આપે છે, જેમાં પરીક્ષા આપવી, બેન્ડ લાવવા, ડોક્યુમેન્ટ બનાવવા વગેરે આવી જાય છે. આ 7 લાખથી લઈને 20 લાખ સુધીનું પેકેજ હોય છે. એના પેકેજમાં વિઝા સુધીનું બધું આવી જાય છે. યોગેશ પટેલ 12થી 15 વર્ષથી આ લાઇનમાં છે અને શરૂઆતથી કબૂતરબાજીમાં સંડોવાયેલો છે. આ લાઇનમાં તેનું ઘણું મોટું નામ છે. યોગેશે બોર્ડર ક્રોસિંગ માટે એટલાં બધાં કામ કરેલાં છે કે કોઈને સાચો આંકડો ખબર નથી, છતાં ચારથી પાંચ હજાર લોકોને મોકલ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
કોણ છે ભાવેશ પટેલ ?
ભાવેશ અશોકભાઈ પટેલ ગાંધીનગરના કલોલના પલસાણાનો રહેવાસી છે. તે 8 વર્ષથી આ કામ કરે છે. એ સીધો ફેનીલ પટેલ સાથે મળીને કામ કરે છે. તેણે ફેનીલને 35 સ્ટુડન્ટ્સ આપ્યા હતા, જેને બોર્ડર ક્રોસ કરી અમેરિકા મોકલવાના હતા. ફેનીલ સ્ટુડન્ટ બોર્ડર ક્રોસ કરાવે છે. ભાવેશ, યોગેશ કે અન્ય લોકો તમામ બોર્ડર ક્રોસ કરવા માટેનું કામ ફેનીલને જ આપે છે. આ બધા જ એજન્ટો અલગ અલગ કામ કરે છે, પરંતુ તમામની કોમન કડી ફેનીલ છે. બધું ત્યાં જઈને ભેગું થાય છે.
બોબીનું યોગેશ અને ભાવેશ સાથે કનેક્શન
આ ત્રણેય એકબીજા સાથે કોઈ રીતે સીધા જોડાયેલા નથી. બોબી મેક્સિકોથી બોર્ડર ક્રોસ કરાવે છે. એ કેનેડા લાઇનમાં કામ કરતો નથી. બોબીએ કોવિડના સમયની આસપાસ આ રીતે સ્ટુડન્ટ્સ મોકલ્યા હતા, પરંતુ હિસાબમાં વાંધો પડતાં તેણે સ્ટુડન્ટ મોકલવાનું બંધ કરી દીધું. હવે એ આ લોકો સાથે કામ નથી કરતો.
ફેનીલ પટેલ કેસ થયા બાદ પરત નથી ફર્યો
આ બધામાં ખૂટતી કડી ફેનીલ પટેલ છે. ફેનીલ મૂળ ગુજરાતી છે અને બિટ્ટુ પાજી નામના પંજાબી શખ્સ સાથે મળીને કામ કરે છે. ફેનીલ ગુજરાતમાંથી કબૂતરબાજીની કેન્ડિડેટ સાથે સોદા કરે છે અને એ લોકો કેનેડા પહોંચે એના થોડા સમય પહેલાં પોતે કેનેડા પહોંચીને ત્યાં તમામ વ્યવસ્થા ગોઠવે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ડિંગુચાનો પરિવાર મોતને ભેટ્યો અને 7 યુવાન પકડાઈ ગયા બાદ તેની સામે કેસ થયા હતા, જેને પગલે ફેનીલ હજુ ઈન્ડિયા પરત ફર્યો નથી તેમ મનાઈ રહ્યું છે.
અમેરિકામાં પકડાયેલા ડિંગુચાના ચાર લોકો સિવાય અન્ય જે 7 સ્ટુડન્ટ્સ પકડાયા એમાંથી 4 સ્ટુડન્ટ્સને દિવ્યા ઓવરસીઝના માલિક યોગેશ પટેલે મોકલ્યા હતા. જ્યારે 2 સ્ટુડન્ટ્સ ભાવેશ પટેલના હતા, જ્યારે એક સ્ટુડન્ટ કોણે મોકલ્યો હતો એની તપાસ હજુ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચ પાસે 7 યુવાનનાં નામ છે. ક્રાઇમબ્રાન્ચ પાસે હાલ તમામ લોકોનાં નામ છે. તેમાંથી પ્રિયંકા ચૌધરી અમદાવાદની વતની છે, જ્યારે એક યુવક કલોલ અંબિકાનગર નજીકનો છે. એક પલસાણા ગામનો છે.
આખી મોડ્સ ઓપરેન્ડી ઉકેલતાં ક્રાઇમબ્રાન્ચને 10 મહિના લાગ્યા
ક્રાઇમ બ્રાન્ચે આ આખી મોડ્સ ઓપરેન્ડી 10 મહિનામાં ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિંગનો ઉપયોગ કરીને ઉકેલવાની શરૂઆત કરી છે. જેમાં હજુ ઘણા આરોપીઓ પકડાવાની વકી છે, એટલે ક્રાઇમબ્રાન્ચે એજ્યુકેશન માફિયાની લિન્ક આખી શોધી નાખી છે એમ કહી શકાય. આ હજુ શરૂઆત છે

