અમદાવાદઃ નવી દિલ્હીમાં 26 જાન્યુઆરીની તૈયારીના ભાગરૂપે કર્તવ્ય પથ પર દેશભરના ટેબ્લોનું ફુલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું. આ દરમિયાન ગુજરાત સહિત વિવિધ રાજ્યના ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
‘કર્તવ્યપથ’ પર તા. 26 જાન્યુઆરીએ આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત દ્વારા ‘ક્લીન – ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત’ વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થશે. જે દેશ અને દુનિયાના પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપશે. પ્રસ્તુત ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઈ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ સોલાર અને વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતિકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. જ્યારે ઝાંખીના પૃષ્ઠ ભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે તે મોઢેરા ગામ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ મારફતે દેશનું સૌપ્રથમ 24 ટન સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે તેને દર્શાવવામાં આવ્યું છે.
પ્રજાસત્તાક દિને ગુજરાતમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બોડાદ ખાતે યોજાશે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન થશે, જ્યારે અમદાવાદમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન થશે જ્યારે એટહોમ કાર્યક્રમ 25મીએ સાંજે બોટાદમાં યોજાશે. અન્ય 15 મંત્રીના હસ્તે જૂનાગઢ, બનાસકાંઠા, ગાંધીનગર, જામનગર, દાહોદ, ભાવનગર, વડોદરા, મહેસાણા, અમરેલી, ખેડા, વલસાડ, કચ્છ, સાબરકાંઠા અને ભરૂચ ખાતે ધ્વજવંદન થશે. બોટાદમાં 25 જાન્યુઆરીએ સવારે સીએમ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ થકી જિલ્લા માટે 254 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત યોજાશે.

