ભાવનગરઃ ભારતમાં હાલ ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે, ત્યારે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા સહિત ગુજરાતના દરિયાની જળસપાટી અંગે ઇસરોના સંશોધકોએ ચેતવણી ઉચ્ચારી છે. ઇસરોના સંશોધકોએ આ અંગે ચેતવણી આપતાં કહ્યું છે કે, 10 જિલ્લામાં કાંપ જમા થતાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.
જમીન ધોવાતાં 313 હેક્ટર જમીન દરિયામાં
ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના 2021ના સંશોધન 'શોરલાઇન ચેન્જ એટલાસ ઓફ ધ ઇન્ડિયન કોસ્ટ – ગુજરાત - દીવ અને દમણ' પર સંશોધનકર્તા રતીશ રામક્રિશ્નન અને અન્ય સંશોધકોએ ધ્યાન દોર્યું છે કે, વધતી જતી દરિયાઈ સપાટી, આબોહવા પરિવર્તન અને જમીન ધોવાણના કારણે રાજ્યએ 313 હેક્ટરનો વિસ્તાર ગુમાવ્યો છે. આ સંશોધન મુજબ 16 દરિયાકાંઠાના જિલ્લાઓમાં 10 જિલ્લા ધોવાણથી પીડિત હોવાનું નોંધાયું છે, આનું કારણ દરિયાની સપાટીમાં વધારો દર્શાવાય છે.
વધતા તાપમાનના કારણે દરિયાઈ સપાટી વધે
ખંભાતના અખાતમાં છેલ્લાં 160 વર્ષમાં સૌથી વધુ 1.50 સેલ્સિયસ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 સેલ્સિયસ તાપમાન વધ્યું છે. દરિયાઈ સપાટી પર વધતા તાપમાનને કારણે દરિયાઈ સપાટી વધે છે. દરિયાઈ જળસપાટીના વધતા તાપમાનના કારણે દરિયાઈ મોજાંની અસામાન્ય ગતિવિધિ રહે છે. પૂનમ અને અમાસની દરિયાઈ ભરતી દરમિયાન ઘોઘાના દરિયાકાંઠા નજીકની માનવ વસાહતોમાં દરિયાનાં પાણી પહોંચી જાય છે. 20 વર્ષ અગાઉ આવી ભરતીનાં પાણીને દરિયાઈ રક્ષક દીવાલ રોકી રાખવાનું કામ કરતી હતી.
મોટી ભરતીમાં દરિયાનું પાણી ઘોઘામાં ઘૂસી જવાનો ખતરો
ભાવનગરમાં દરિયાકાંઠે આવેલું ઘોઘા ગામ દરિયાઈ પાણીની રક્ષક દીવાલ 20 વર્ષથી ધ્વસ્ત થઈ જવાના કારણે સતત ભયના ઓથાર તળે જીવન વ્યતિત કરી રહ્યું છે. દરિયાનાં પાણીની રક્ષક દીવાલ ધ્વસ્ત થઈ જવાને કારણે મોટી દરિયાઈ ભરતી દરમિયાન રહેણાક વિસ્તારો સુધી દરિયાનાં પાણી ઘૂસી જાય છે. જે ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે.
ઘણી રજૂઆતો, કોઈ સાંભળતું નથી
ઘોઘાના પૂર્વ સરપંચ અનસારભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે દરિયાઈ સુરક્ષા દીવાલ ધરાશાયી થવા અંગે અને ઘોઘામાં માથે તોળાતા દરિયાઈ સંકટ અંગે સંબંધિત સરકારી વિભાગો અને સરકારમાં અનેક વખત રજૂઆતો કરાઈ છે, પરંતુ કોઈને પડી નથી.
જિલ્લા પંચાયત પ્રમુખનો બચાવ
જિલ્લા પંચાયત પ્રમુખે આ અંગે બચાવમાં જણાવ્યું કે, દરિયાઈ રક્ષણ માટેની દીવાલ માટે થોડું ફંડ આવ્યું છે, પરંતુ તેનાથી કામ થઈ શકે તેમ નથી. દીવાલ બનાવવા માટેના પર્યાપ્ત ફંડ સરકારમાંથી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે,

